Bhopal, તા.3
મધ્ય પ્રદેશમાં 40 વર્ષ પૂર્વે સર્જાયેલા ભોપાલ કેસ કાંડમાં અગાઉની યુનિયન કાર્બાઇડ કંપનીનો ઝેરીલો કચરો ખસેડવાના મુદ્દે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ બાદ આ કચરો રાજ્યમાં ભોપાલથી અંદાજે 200 થી વધુ કિ.મી. દૂર પીથમપુર પાસે ડમ્પ કરવાની તૈયારી કરતાં આ ગામમાં જબરો વિરોધ ફાટી નીકળ્યો હતો અને બંધના એલાન વચ્ચે એક લાખથી વધુ લોકો સડક પર આવી જતાં તેમને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.
રાજ્ય સરકારે પીથમપુર પાસે કચરાને સળગાવાની જાહેરાત કરી હતી અને તેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે તેમજ કચરો સળગવાને કારણે તેનો ઝેરી ધુમાળો વાતાવરણમાં આવે તો આસપાસના વિસ્તારોમાં તેની અસર થાય તેવા ભય છે. ગઇકાલે મુખ્યમંત્રી મોહન યાદવે આંદોલનકારીઓને મળ્યા હતા પરંતુ કોઇ ઉકેલ શોધી શકાયો નથી.
ભોપાલથી 337 ટન ઝેરીલી કચરો ઇન્દોર ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી પીથમપુરમાં લઇ જઇને ત્યાં તેને સળગાવી દેવાશે તેવો નિર્ણય લેવાયો હતો. અગાઉ સુપ્રિમ કોર્ટે આ કચરાનો નિકાલ કરવા આદેશ આપ્યો હતો. જેના પરિણામે રાજ્ય સરકારે હાથ ધરેલી કાર્યવાહીમાં નવો વિવાદ સર્જાયો છે.
પીથમપુર અને તેની આસપાસના ગામના એક લાખથી વધુ લોકો સડક પર ઉતરી આવ્યા હતા અને ટ્રાફિક ઠપ્પ કરી દીધો હતો. સરકારે આ ઝેરીલી કચરો સળગાવાથી કોઇ આડ અસર નહીં થાય તેવી સમજાવવાની કોશિષ કરી હતી પરંતુ પીથમપુર સહિતના લોકો સ્વીકારવા તૈયાર નથી.