Bhavnagar શહેરની પોસ્ટ ઓફિસોમાં નેટ કનેક્ટીવીટીના ધાંધિયા

Share:

Bhavnagar,તા.21

ભાવનગર શહેરની ઘણાં પોસ્ટ ઓફિસોમાં કામકાજના પ્રથમ દિવસે જ નેટ કનેક્ટીવીટીના ધાંધિયા થતાં ગ્રાહકોને ધરમના ધક્કા થયા હતા. નેટ કનેક્ટીવીટી ન હોવાથી આર્થિક લેવડ-દેવડ સહિતના કામો અટવાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ભાવનગર શહેરની હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સવારમાં અર્ધોથી એકાદ કલાક સુધી વ્યવહારો થયા બાદ નેટ કનેક્ટીવી ખોટકાઈ જતાં સર્વર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે વિધવા પેન્શન, સેવિંગ એકાઉન્ટ, કિશાન વિકાસ પત્ર, ટાઈમ ડિપોઝીટ્સ, નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટીઝન સ્કીમ, રિકરીંગ ડિપોઝીટ સહિતના તમામ ખાતાની લેવડ-દેવડ બંધ થઈ જતાં ‘હમણાં સેવા પૂર્વવત થઈ જશે’ તેવી આશા સાથે ગ્રાહકોને કલાકો સુધી પોસ્ટ ઓફિસમાં બેઠા રહેવું પડયું હતું. જો કે, તેમ છતાં નેટ કનેક્ટીવીટીના ધાંધિયા શરૂ જ રહેતા અંતે કંટાળીને ઘણાં લોકો વ્યવહાર કર્યા વિના જ પરત ફર્યા હોવાનો કકળાટ ગ્રાહકોમાં સાંભળવા મળ્યો હતો.

આ ઉપરાંત પોસ્ટ ઓફિસ દ્વારા ખાતાધારકોને એટીએમની સુવિધા તો અપાઈ છે, પરંતુ તેમાં પણ ભગવાનની દયા જ હોય તેમ ઘણાં લાંબા સમયથી નવા એટીએમ કાર્ડ ઈસ્યુ કરવામાં આવી રહ્યા નથી. તેમજ જેમના કાર્ડની વેલિડિટી પૂરી થઈ ગઈ છે, તેમને પણ રિન્યુ કરી નવા કાર્ડ આપવામાં આવતા નથી. આ અંગે ગ્રાહકો ફરિયાદ કરે તો ડિમાન્ડ કરી હોવા છતાં કાર્ડ આવ્યા ન હોવાનું કારણ આગળ ધરવામાં આવે છે. તેમજ નવું ખાતુ ખોલનારા ગ્રાહકો અને જેમની પાસબુક પૂરી થઈ ગઈ છે, તેમને પણ પાસબુક છપાઈને આવ્યા પછી અપાશે તેવું કહેવામાં આવતું હોવાની લોકોએ ફરિયાદ કરી છે. આમ, પોસ્ટ ઓફિસની ખોરવાયેલી સેવાઓથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહી છે અને લોકોને પડતીનો વહેલી તકે નિવેડો આવે તેવી માંગણી ઉઠી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *