Bet dwarka, તા.4
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારે ગેરકાનૂની દબાણો સામે શરુ કરેલી આકરી કાર્યવાહીમાં એક તરફ સોમનાથ મંદિર પાસે જે રીતે દસકાઓથી ગેરકાનૂની રીતે વિધર્મી ધર્મસ્થાનો ઉભા કરવામાં આવ્યા હતા અને અહીં ઉર્ષ સહિતના આયોજનો થતાં હતા તે સમગ્ર વિસ્તારમાં બુલડોઝર ચલાવીને સરકારી જમીન મુક્ત કરાયા બાદ હવે દ્વારિકામાં પણ રાજ્ય સરકારે ગૌચરની જમીન પર ઉભી કરાયેલી મસ્જીદો, મદરેસાઓ અને દરગાહઓ સામે શરુ કરેલી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે પણ માન્ય રાખી છે.
આગામી દિવસોમાં બેટ દ્વારકામાં આ ગૌચરની જમીન પણ ખુલ્લી કરાશે. બેટમાં ભાડેલ મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરાયેલી ત્રણ રીટ અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે અને સુપ્રિમ કોર્ટમાં જવા 15 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તે પણ સ્વીકારવામાં આવ્યો નથી.
રાજ્ય સરકાર દ્વારા તર્કબધ્ધ રજુઆતો થઇ હતી કે ગૌચરની જમીન પર ગેરકાનૂની રીતે દબાણ કરીને મસ્જીદો, મદરેસા અને દરગાહો ઉભા કરવામાં આવ્યા છે તે દુર કરવા અગાઉ જ નોટીસ અપાઇ ગઇ છે અને તાત્કાલીક તે કાર્યવાહી કરવી જરુરી છે.
હાઇકોર્ટે તેને માન્ય રાખી હતી. દ્વારકા સ્થિત વકફ બોર્ડ દ્વારા આ અંગે અરજી કરવામાં આવી હતી તે પણ સ્વીકારવામાં આવી નથી. આમ દેવભૂમિ દ્વારકામાં ટૂંકસમયમાં જ દાદાનું બુલડોઝર દોડવા લાગશે.
કબ્રસ્તાન દૂર નહીં કરાય રાજ્ય સરકારની ખાતરી
ગુજરાત હાઇકોર્ટમાં આ વિવાદ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં જે ગેરકાનૂની બાંધકામ છે તેને જ દૂર કરવાના છે અને આ વિસ્તારમાં જે કબ્રસ્તાન આવેલ છે તેને સરકાર દૂર કરવાની નથી તેથી કબ્રસ્તાનની રી-લોકેશન કરવાની માંગણીનો કોઇ અર્થ નથી અને રાજ્ય સરકારે તે અંગે અદાલતને જણાવેલ પણ નથી.
વાસ્તવમાં આ જમીન વકફ દ્વારા વપરાશના મુદ્દા પર દલીલ થઇ હતી અને ગુજરાત સરકારની દલીલ હાઇકોર્ટે માન્યા રાખી છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મોના એમ. ભટ્ટએ પોતાનો ઓર્ડર આપતા કહ્યું કે તમામ બાબતો વિચારણામાં લીધા બાદ જમીનના જે ઉપયોગનો મુદ્દો છે.
તેમાં તમામ પક્ષોની બાબતો વિચારણામાં લીધા બાદ હું એ મંતવ્ય પર આવું છું કે જે રીટ અરજી થઇ છે તે વિચારણા યોગ્ય નથી અને તેથી હું તમામ પીટીશન ડીસમીસ કરું છું.
હાલમાં સુપ્રિમ કોર્ટે પણ સોમનાથ મંદિર આસપાસ જે દબાણો સર્જાયા હતા તેને પણ દુર કરવા મંજુરી આપ્યા બાદ અન્ય તમામ અરજીઓ નકારી હતી અને હવે બેટદ્વારકામાં પણ આ પ્રકારની કાર્યવાહીને હાઇકોર્ટે મંજુર રાખી છે.