Ahmedabad, તા.20
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટ બાર બાર એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની વર્તણુક અંગે ગંભીર ટીકા કરતો આદેશ પસાર કર્યો હતો. અદાલતે આદેશમાં જણાવ્યું હતું કે ત્રિવેદી ફક્ત એડવોકેટ્સ એસોસીએશનના ચૂંટાયેલા પ્રમુખ બનવાને લાયક નથી પણ રાજ્યની સર્વોચ્ચ અદાલતના વકીલને બનવા માટે પણ અયોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે એક જવલ્લે જ બનતી ઘટનામાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી વચ્ચે શુક્રવારે ચાલુ કોર્ટમાં ઉગ્ર શબ્દોની આપલે સાથેની દલીલો થઈ હતી. ત્રિવેદીએ ચીફ જસ્ટીસને લોર્ડ ફ્રાન્સિસ બેકનનો એક કથન યાદ અપાવ્યું હતું જે ‘ઓવરસ્પીકીંગ જજ’ વિશે હતું. ત્યારબાદ તેઓ ચાલુ કાર્યવાહી છોડીને કોર્ટની પરવાનગી વગર ચાલ્યા ગયા બાદ અદાલતે ત્રિવેદીની વર્તણુક બાબતે આદેશ પસાર કર્યો હતો.
કેસની વિગતો મુજબ વર્ષ 2011માં દાખલ થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન શુક્રવારે કેસની દલીલો સાંભળવા અને મુદત લેવા બાબતે ચાલુ કોર્ટમાં આ ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સમગ્ર મામલાની બહુ જ ગંભીર રીતે નોંધ લઇ હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી વિરુધ્ધ બહુ જ ગંભીર ટીકાત્મક અવલોકનો કર્યા હતા અને જણાવ્યું હતું કે, બ્રિજેશ ત્રિવેદી જે રીતે વર્ત્યા છે તે એકંદરે સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ કોર્ટમાં પોતાનું ઉપદ્રવ ઊભું કરવા માટે બારના ચૂંટાયેલા પ્રમુખ તરીકેના તેમના પદનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બારના પ્રમુખના આ પ્રકારના વર્તનને ચીફ જસ્ટિસે બિલકુલ અનૈતિક ગણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની વર્તણૂંકની ભારોભાર આલોચના કરતાં એટલે સુધી જણાવ્યું હતું કે, બારના ચૂંટાયેલા પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની આ વર્તણૂક, કોર્ટને સ્થગિત કરવા માટે ડરાવવાનો પ્રયાસ છે અને જ્યારે કોર્ટ ફક્ત કેસના ગુણદોષ પર દલીલો માટે આગ્રહ કરી રહી હતી ત્યારે અવિચારી આરોપો લગાવીને અનુચિત દબાણ ઊભું કરવાનો પ્રયાસ છે. અમે બાર પ્રમુખના આ વર્તનને અનૈતિક ગણાવીએ છીએ. બ્રિજેશ ત્રિવેદીએ જે વર્તણૂક દર્શાવી છે.
તે સંસ્થા પ્રત્યેનો તેમનો સંપૂર્ણ અનાદર પ્રગટ કરે છે અને તેમનું વલણ દર્શાવે છે જે ફક્ત એડવોકેટ્સ એસોસીએશનના ચૂંટાયેલા પ્રમુખ બનવાને લાયક નથી પણ રાજ્યની સર્વોચ્ચ અદાલતના વકીલને બનવા માટે પણ અયોગ્ય છે.
ચીફ જસ્ટિસે અદાલતની વાત સાંભળવા બ્રિજેશ ત્રિવેદીને અનુરોધ કરવા છતાં તેમણે કોર્ટ પર આરોપ અને વિવાદીત ઉચ્ચારણો ચાલુ રાખતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે, બ્રિજેશ ત્રિવેદીએ અદાલતની સ્પષ્ટ ચેતવણી છતાં અટક્યા વિના, તેમણે વહીવટી અને ન્યાયિક બાજુએ કોર્ટના કાર્યને લગતા નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું અને કોર્ટને કેસના ગુણદોષ પર આગળ વધવા દીધા નહીં.
જ્યારે કોર્ટે ફરીથી ગુણદોષ પર દલીલો માટે આગ્રહ કર્યો ત્યારે ત્રિવેદીએ ચોક્કસ કાગળો રેકોર્ડ પર લાવવા માટે સમય માંગ્યો. જ્યારે કોર્ટે પ્રશ્ન પૂછયો કે તે કાગળો રેકોર્ડ પર કેમ લાવવામાં આવ્યા નથી અને ત્રિવેદી દ્વારા વારંવાર રજા નોંધો મોકલવામાં આવી હોવા છતાં, તેમણે કોર્ટના કાર્યપદ્ધતિ સામે આરોપો લગાવવાનું શરૂ કર્યું.
ઉલ્લેખનીય છેકે ત્રિવેદી દ્વારા કોર્ટ સમક્ષ ઉચ્ચારણો દરમિયાન ચીફ જસ્ટિસે સીલીંગ ઉપર તરફ નજર ફેરવતા તેનો પણ ત્રિવેદીએ વાંધો ઉઠાવ્યો હતો કે, લેડીશીપ આકાશ તરફ ક્યાંક જોઇ રહ્યા છે.
આ રીતે મેટર સાંભળવી જોઇએ નહી. છેલ્લા 65 વર્ષમાં આ કોર્ટમાં આવું ક્યારેય બન્યુ નથી. મારી વિનંતી છે કે આ મેટર બે સપ્તાહ માટે મુલતવી રાખે. એ વખતે પાછળ બેઠેલા એક વકીલે આગળ આવી ત્રિવેદીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ અટક્યા નહોતા. છેવટે ચીફ જસ્ટીસ બોલ્યા હતા કે, આ રીતે કોર્ટમાં આવા દ્રશ્યો સર્જવાની વાત ચલાવી લેવાશે નહી. ચીફ જસ્ટિસે પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીને સીધી ટકોર કરી હતી કે, કોર્ટ સામે આંગળી ચીંધીને સંબોધન ના કરો. આ રીતે કોર્ટ સાથે વર્તણૂ્ક કરવી જોઇએ નહી.
કોર્ટ સામે વિવિધ અપ્રસ્તુત નિવેદનો અને આક્ષેપો કર્યા પછી, બ્રિજેશ ત્રિવેદી કોર્ટની પરવાનગી લીધા વિના, ડાયસ અને અંતે કોર્ટમાંથી અયોગ્ય રીતે બહાર નીકળી ગયા હતા. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલો ઘણો જૂનો હોવાથી, અમે વધુ મુલતવી રાખવા માટે તૈયાર નથી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.24મી જાન્યુઆરીએ રાખી હતી.