Rajkot,તા.31
રાજકોટના દુધસાગર રોડ પર રહેતા મુસ્લીમ અગ્રણી આરીફ ગુલામ હશેન ચાવડાની નજીવી બાબતની તકરારમાં તેના પાડોશી દ્વારા કરાયેલ હત્યાના ગુનામાં જેલમાં રહેલ આરોપી વસીમ ઉર્ફે ચકો ખૈબરની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના દુધસાગર મેઇન રોડ પર આવેલ ફારૂકી મસ્જિદ પાસે ડેરીમાં છાશ અને બગડેલ પનીરનું ઉત્તપાદન કરી વેચાણ થતું હોવાની આરીફ ગુલામ હશેન ચાવડા, મુસ્તાક હાજીગુલામ ચાવડા અને સોસાયટીના સભ્યોએ વાંધો ઉઠાવતા તેનું મનદુઃખ રાખી વસીમ ઉર્ફે ચકો અબ્દુલ ખૈબર, રમીઝ ઉર્ફેબાબો ઈકબાલ ખૈબર, અબ્દુલ ઓસમાણ ખૈબર અને ઇકબાલ ઓસમાણ ખેબરે આરીફ ગુલામ હશેન ચાવડા અને મુસ્તાક હાજીગુલામ ચાવડા પર હુમલો કરી આરીફ ચાવડાની હત્યા કરી હતી. જે અંગે મુસ્તાક હાજીગુલામ ચાવડાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ઝડપાયેલા આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખૈબરે રાજકોટની સેશન્સ કોર્ટમાં જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સ્પે. પીપી અને ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખેબરની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં સ્પે.પીપી તુષાર ગોકાણી અને ફરીયાદ પક્ષે એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, હસેન હેરંજા, શક્તિભાઈ ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાન સમા, દીપકભાઈ ભાટીયા અને અંકિતભાઈ ભટ્ટ રોકાયા હતા.