Champions Trophy પર હુમલો – ખેલાડીઓનાં અપહરણનો ખતરો

Share:

New Delhi તા.24
પાકિસ્તાનમાં ચાલી રહેલી ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ પર હુમલો કરવા તથા ખેલાડીઓનાં અપહરણ કરવાનુ સનસનીખેજ ષડયંત્ર રચાયાનો ઘટસ્ફોટ થયો છે. ઈસ્લામિક સ્ટેટનાં પેટા જુથ ISKP દ્વારા આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે. જેને પગલે ભારત સહિતનાં દેશોની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ચેમ્પીયન્સ ટ્રોફીના મેચ ચાલી રહ્યા છે પાકિસ્તાન અને અફઘાનીસ્તાનમાં સક્રિય ઈસ્લામિક સ્ટેટ ખુરાશાન પ્રાંત (ISKP )હુમલો કરવા તથા ખેલાડીઓના અપહરણ કરવાનો પ્રયાસ કરે તેવી ગુપ્તચર બાતમી મળતાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. વિદેશી ગુપ્તચર વિભાગને કાવતરાની આ બાતમી મળી છે. અને તેના દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીને પણ એલર્ટ કરવામાં આવી છે.

ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી અને પોતાના તમામ મેચ દુબઈમાં જ રમી રહી છે.ગુપ્તચર રીપોર્ટ ભારતીય એજન્સીને પણ પાઠવવામાં આવ્યો છે અને તેને પગલે ભારતીય સુરક્ષા તંત્ર પણ એલર્ટ થયુ છે.

પાકિસ્તાનમાં ભારત સિવાય ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, અફઘાનીસ્તાન સહિતની બાકીની સાત ટીમો ભાગ લઈ રહી છે. મહત્વપૂર્ણ ક્રિકેટ ટુર્નામેન્ટ હોવાના કારણે સુરક્ષાનાં તમામ પગલા લેવામાં આવ્યા જ છે તે વચ્ચે ત્રાસવાદી હુમલા અને ખેલાડીઓનાં અપહરણનાં ષડયંત્રની વાત આવતા તમામ દેશોના સુરક્ષા વિભાગો સતર્ક બને તેમ માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2009 માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર ત્રાસવાદી હુમલો થયો હતો અને ત્યારબાદ ઘણા વર્ષો સુધી વૈશ્ર્વિક ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું બંધ કરી દીધુ હતું.

સુત્રોએ જણાવ્યું છે કે, ત્રાસવાદી હુમલાનાં ષડયંત્ર વિશે કોઈ સચોટ માહિતી આપવામાં આવી નથી પરંતુ અફઘાન અને પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદી જુથનુ નામ આવ્યુ હોવાથી સુરક્ષા એજન્સીઓ કોઈપણ જાતની બેદરકારી રાખવાના મૂડમાં નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *