Jasdan,તા.31
આટકોટ સ્થિત ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં રેકટર ને ધાક આપી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા પાંચવડા ગામના પૂર્વ સરપંચે ભત્રીજાના લગ્નમાં જવા માનવતાના ધોરણે કરેલી 10 દિવસની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ પૂર્ણ કરી રેકટર તરીકે નોકરી કરતી યુવતીએ પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુકાન્ત ઉર્ફે મધુ ટાઢાણી અને વીરનગર ગામે રહેતા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા વિરૂધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલહવાલે રહેલા પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુકાન્ત ઉર્ફે મધુ ટાઢાણીએ ભત્રીજાના લગ્ન હોવાથી માનવતાના ધોરણે 10 દિવસ જેલ મુક્ત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો સખત વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. આરોપીના સગા ભત્રીજાના લગ્ન નથી કૌટુંબિક ભત્રીજાના લગ્ન છે. તેમાં આરોપીની હાજરીની કોઈ જરૂરિયાત નથી તેથી આરોપીએ માનવતાના ધોરણે માંગેલ જામીન મળવા માટેની અરજી રદ કરવી જોઈએ જેવી રજૂઆત કરી હતી. સેશન્સ જજ પી.જે. તમાકુવાળાએ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી મધુકાન્ત ઉર્ફે મધુ ટાઢાણીએ ભત્રીજાના લગ્ન માટે 10 દિવસ માટે માનવતાના ધોરણે કરેલી વચગાળાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.