Jammu and Kashmir,
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકી જૂથ ટોપ લશ્કરનો કમાન્ડર અલ્તાફ લલ્લીને ઠાર કર્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આજે વહેલી સવારે બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ટોપ લશ્કર આતંકવાદી ઠાર થયો છે.
પહલગામ હુમલામાં સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના ઘરને સુરક્ષાદળોએ બોમ્બથી ઉડાવી દીધું છે. આદિલ ગુરી તરીકે ઓળખાતા આ આતંકવાદી પર બૈસરન ખીણમાં 22 એપ્રિલના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર રચવા તેમજ તેને અમલમાં મૂકવા પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરવાનો આરોપ છે. આ હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘર પર જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે.
શુક્રવારે વહેલી સવારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં આતંકવાદીઓ સામે લડી રહેલા સેનાના બે વરિષ્ઠ જવાન ઘાયલ થયા છે. બંને પર્સનલ સિક્યુરિટી ટીમના વરિષ્ઠ અધિકારી છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બાંદીપોરમાં ચાલી રહેલા ઓપરેશનની માહિતી આપી હતી.
મીડિયા સૂત્રો અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં ટોપ લશ્કર આતંકવાદીઓ પણ સંડોવાયેલા હતાં. તેઓએ 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરી હોવાના અહેવાલોના પગલે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ટોપ લશ્કરના આતંકવાદીઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આતંકવાદી ઠાર થયો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. વધુમાં સેનાએ આ હુમલામાં સંડોવાયેલા સ્થાનિક આતંકવાદીઓના ઘર પર પણ કાર્યવાહી હાથ ધરી છે.