વિશ્વભરમાં ભટકતા અબોલ જીવોની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે, અબોલ જીવ કલ્યાણ સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને દયાળુ વ્યક્તિઓ દર વર્ષે ૪ એપ્રિલના રોજ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે શહેરો અને રસ્તાઓ પર જીવન જીવી રહેલા લાખો ભટકતા અબોલ જીવો માટે સહાનુભૂતિ દાખવવા અને તેમના માટે હકારાત્મક ફેરફાર લાવવાનો સંદેશ આપે છે.
ભટકતા અબોલ જીવો રોજિંદા જીવનમાં અન્નની ઉણપ, બિમારીઓ, દુર્વ્યવહાર અને અવગણનાનો સામનો કરે છે. અંદાજે ૬૦૦ મિલિયનથી વધુ નિઃસહાય, ભટકતા અબોલ જીવો વિશ્વભરમાં છે, જે પૈકી ઘણાં ખરાબ પરિસ્થિતિઓમાં જીવવા મજબૂર છે. આ અબોલ જીવો અત્યંત ઠંડી, ગરમી, ભૂખમરો અને માનવીય નિષ્કરુણતાને કારણે ભયાનક હાલતમાં હોવા છતાં અવિશ્વસનીય રીતે જીવતા રહે છે.
વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસનું મહત્વ જોઈએ તો, આ દિવસ માત્ર ભટકતા અબોલ જીવોની સમસ્યાઓને ઓળખવાનો જ નહીં, પરંતુ તંત્ર અને સમાજ દ્વારા સકારાત્મક પગલાં ભરવાની જાગૃતિ ફેલાવવા માટે પણ છે. વિશ્વભરના અબોલ જીવ કલ્યાણ સંગઠનો આ દિવસે જાગૃતિ અભિયાન, રસીકરણ, વંધ્યીકરણ (સ્ટરિલાઈઝેશન) પ્રોગ્રામ, દત્તક અભિયાન (એડોપ્શન કેમ્પ) અને ભંડોળ એકત્રિત કરવાની પ્રવૃત્તિઓ આયોજિત કરે છે, જેથી ભટકતા અબોલ જીવો માટે જીવનસાધન સુલભ થઈ શકે.
આ દિવસે વિશેષ કાર્યક્રમોમાં અન્ન વિતરણ અભિયાન અંતર્ગત વિવિધ શહેરોમાં હજારો ભટકતા અબોલ જીવો માટે પૌષ્ટિક ભોજન પ્રદાન. નિશુલ્ક વંધ્યીકરણ અને રસીકરણ કેમ્પ, અબોલ જીવોની સંખ્યા નિયંત્રિત કરવા અને બીમારીઓ અટકાવવા માટે, દત્તક અભિયાન અને જાગૃતિ કાર્યક્રમોમાં લોકોને ભટકતા અબોલ જીવોને દત્તક લેવા પ્રોત્સાહિત કરવું અને અબોલ જીવોની જવાબદારી અંગે જાગૃતિ લાવવી. અત્યાવશ્યક તબીબી સેવામાં ઘાયલ અને બીમાર અબોલ જીવો માટે તાત્કાલિક સારવાર માટે નિઃશુલ્ક મોબાઈલ એમ્બ્યુલન્સ સેવાઓને મજબૂત બનાવવી.
તમે કેવી રીતે સહયોગ આપી શકો :
વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ એ આપણે બધા માટે કંઈક સારું કરવા માટેની તક છે.
એડોપ્ટ, ડોન્ટ શોપ: અબોલ જીવો દત્તક લો અને તેમના માટે એક પ્રેમાળ ઘર આપો. અન્ન અને પાણી આપો, થોડું પણ ભોજન અથવા પાણી પ્રદાન કરવાથી અબોલ જીવોની જીંદગી બચી શકે છે. સ્થાનિક સેવા સંસ્થાને સમર્થન આપો, અબોલ જીવ કલ્યાણ માટે કાર્યરત NGO ને દાન આપો અથવા સ્વયંસેવક તરીકે જોડાઓ. અબોલ જીવોનાં હકો માટે અવાજ ઉઠાવો, અબોલ જીવો સામે અત્યાચાર અટકાવવા માટે કાયદા કડક બનાવવાની માંગ કરો. વંધ્યીકરણ અને રસીકરણ, ભટકતા અબોલ જીવોની લોકસંખ્યા હ્યુમન રીતે નિયંત્રિત કરવા માટે વંધ્યીકરણ માટે આગળ વધો.
સાંપ્રદાયિક જવાબદારી :
ભટકતા અબોલ જીવો માટે સહાનુભૂતિ ફક્ત સેવા સંસ્થાની કે અબોલ જીવદયા પ્રેમીઓની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. આપણે એકસાથે મળીને એક દયાળુ અને સુરક્ષિત દુનિયા બનાવવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ પર, ચાલો આપણે ભટકતા અબોલ જીવ માટે શ્રેષ્ઠ જીવન નિર્માણ કરવાની જવાબદારી લઇએ.
-મિતલ ખેતાણી (મો. 98242 21999)