જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતની આઝાદીની લડાઇની અત્યંત કરુણ અને દુઃખદ ઘટના છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં 41 બાળકો સહિત લગભગ 400 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
રોલેટ એક્ટના વિરોધમાં 13 એપ્રિલ, 1919ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પુરુષ-સ્ત્રો અને બાળકો સહિત લગભગ 5000 જેટલા લોકો એકઠા થયા હતા. આ સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વારે પહોંચે છે. તેણે કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી આપ્યા વગર જ સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. અચાનક થયેલા ફાયરિંગથી મેદનીમાં ભાગદોડ મચી ગઈ. સૈનિકોએ લગભગ 10 મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ ડ ગોળીઓ છોડી હતી, જેમાં લગભગ 400 નિર્દેષ લોકોના મોત થયા હતા. જલિયાંવાલા બાગમાં લગાવેલી તકતી અનુસાર 120 મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં 484 શહિદોની યાદી છે, જ્યારે જલિયાંવાલા બાગમાં 388 શહિદોની યાદી મૂકવામાં આવી છે. બ્રિટીશ રાજના દસ્તાવેજમાં જલિયાંવાલા કાંડમાં 200 લોકોને ઇજા થઇ હતી જ્યારે 397 લોકો શહીદ થયા હોવાનો ઉલ્લેખ છે.
હત્યાકાંડના સ્થળને એક સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જેને રાષ્ટ્રીય સ્મારક માનવામાં આવે છે. આ સ્મારકમાં સંગ્રહાલય ગેલેરીઓ છે અને હત્યાકાંડની ઘટનાઓનું વર્ણન કરવા માટે દૈનિક પ્રકાશ અને ધ્વનિ શો રજૂ કરવામાં આવે છે. શહીદ કૂવા સાથે, ગોળીઓના નિશાનવાળી એક દિવાલ સાચવવામાં આવી છે, જેમાં સૈનિકો ગોળીબાર કરી રહ્યા હતા ત્યારે ઘણા લોકો કૂદી પડ્યા હોવાનું માનવામાં આવે છે.
-મિતલ ખેતાણી(મો. 98242 21999)