રજિસ્ટર્ડ દસ્તાવેજમાં અવેજ પુરેપૂરો ચૂકવાઇ ગયો હોવાનો ઉલ્લેખ અને લિમિટેશન કાયદા મુજબ દલીલો માન્ય
Kotda Sangani,તા.31
કોટડા સાંગાણીના મોટા માંડવા ગામના સર્વે નંબરની જમીન મામલે હક્કપત્રકે દાખલ થયેલ વેચાણ વ્યવહાર સામે રકમ બાકી હોવાનું જણાવી લેવાયેલા વાંધા આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા રદ કરી નોંધ પ્રમાણિત કરવાનો હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, મોટા માંડવા ગામના સર્વે નંબરની જમીન હેક્ટર ૧-૦૧ વેચાણ વહેવાર તારીખ 26/ 12/ 2024ના રોજ હક્ક પત્રકે દાખલ થવા બાબતે રમેશભાઈ ધીરુભાઈ ગજેરા તેમજ ચંદુભાઈ ચકાભાઇ વોરા સામે મધુબેન નટુભાઈ ગધેથરીયા વાઈફ ઓફ વિજયભાઈ સોજીત્રા વગેરેએ વાંધા અરજીઓ કરી જમીનને તકરારી બનાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત જમીનનું મધુબેન ગધેથરીયા વગેરેએ મોટા માંડવાના પરેશભાઈ ભંડેરીની ઓળખાણથી રૂપિયા સવા કરોડમાં સોદો કરી નોટરાઇઝ્ડ સાટાખત કરી સૂથી પેટે રૂ. 50 લાખ ચૂકવ્યા હતા,75 લાખ દસ્તાવેજ કરતી વખતે ચૂકવવાના હતા. દરમિયાન રમેશભાઈ ગજેરા વગેરેએ મધુબેન ગધેથરીયા વગેરેને રૂ. ૯૧,૬૬૬ ના ત્રણ ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમને કારણે પાછા ફર્યા હતા. આથી સામાવાળા રમેશભાઈ ગજેરા વગેરેએ જમીનનું પૂરેપૂરું હવે જ ચૂકવ્યું ન હોવા છતાં, ઉપરોક્ત જમીનનું ગામ નમુના નંબર છ (હક્ક પત્રક)ની નોંધ તકરારી ગણી મધુબેન ગધેથરીયા વગેરેએ નોંધ રદ કરવા જણાવ્યું હતું. મધુબેનની આ વાંધા તકરાર સામે રમેશભાઈ ધીરુભાઈ ગજેરા વગેરેએ રજૂઆત કરી હતી કે, ગામ નમુના છ (હક્કપત્રકે) નોંધ તા. ૨૬/૧૨/ ૨૦૨૪ના રોજ અવેજની રકમ ચેકથી ચૂકવી આપવામાં આવી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને દસ્તાવેજ થયા બાદ તુરત જ મામલતદાર દ્વારા મધુબેન ગધેથરીયા વગેરેને 135 ડીની નોટિસની પણ બજવણી કરવામાં આવી હતી, તેમાં ત્રણેય વાંધેદારોની સહી પણ છે. તેથી અરજદારોએ પૈસાની રેતી દેતી નું ખોટું કારણ દર્શાવી તકરારી અરજી કરી હોય, અને તેમાં ૩૦ દિવસમાં પોતાના હક પૂરતો વાંધો તકરાર લઈ શકાતા હોય છે, એટલે કે અરજી 30 દિવસ કરતા બહુ મોડી આવી હોય તેમાં લિમિટેશનનો કાયદો નડે છે તેથી આ વાંધા અરજી ચાલવા પાત્ર નહિ હોવાની રજૂઆતો કરવામાં આવી હતી, તેમજ તેને લગતા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઇ મોટા માંડવાની કીમતી ખેતીની જમીનની હક્કપત્રકે થયેલી નોંધ રદ કરવાની મધુબેન નટુભાઈ ગધેથરીયા વાઈફ ઓફ વિજયભાઈ સોજીત્રા વગેરેની વાંધા અરજી નામંજુર કરી રાજકોટ શહેર બે ના મદદનીશ કલેકટર મહક જૈને નોંધને પ્રમાણિત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં સામાવાળા વતી ગોંડલના એડવોકેટ ગૌતમ ઉંધાડ રોકાયા હતા.