રણવીર અલાહાબાદિયા સાથે વાતચીત દરમિયાન માધુરી દિક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ ખુલાસો કર્યો
Mumbai, તા.૨૯
સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવાર-નવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે. માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ આ અંગે ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે, દીકરી વામિકા અને દીકરા અકાયને લાઈમલાઈટથી દૂર રહીને ઉછેરવા માટે વિરાટ-અનુષ્કા લંડનમાં સ્થાયી થવા માગે છે. યુ ટ્યૂબર રણવીર અલાહાબિયા સાથે ચેટ દરમિયાન વિરાટની પ્રશંસા કરતાં નેનેએ કહ્યુ હતું કે, તેઓ અનેક વખત મળ્યા છે. અનુષ્કા શર્મા સાથેની વાતચીતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ લંડન શિફ્ટ થવાનું વિચારતા હતા, કારણ કે તેઓ સફળતાને માણી શકતા ન હતા. દરેક જગ્યાએ લોકોની નજર તેમના પર રહેતી હતી અને તેથી સામાન્ય માણસની જેમ રહી શકાતુ ન હતું. પોતાના અનુભવને યાદ કરતાં નેનેએ કહ્યું હતું કે, દરેક જગ્યાએ લોકો સેલ્ફી માટે આવી જાય છે અને બહાર નીકળવાનું સહેલું રહેતું નથી. વિરાટ અને અનુષ્કા તેમના સંતાનોને સામાન્ય બાળકની જેમ ઉછેરવા માગે છે. વિરાટના બાળપણના મિત્ર રાજકુમાર શર્માએ પણ થોડા સમય પહેલાં જણાવ્યુ હતું કે, સંતાનોના ઉછેર માટે વિરાટ અને અનુષ્કા લંડન શિફ્ટ થવાનું વિચારે છે.