Amreli , તા. ર0
સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત 100 બેડની ધર્મજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરાવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, રાજકોટ સાંસદ પુરષોત્તમભાઇ રૂપાલા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા સહિતના મહાનુભાવો નવનિર્મિત ધર્મજીવન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, માનવ જીવન માટે સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર છે. સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે જરુરી એવા પરિમાણો રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાનના માધ્યમથી નાગરિકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે રાષ્ટ્ર ઉન્નતિ સાધે છે.
સંસ્કાર એ જીવનની મોટી મૂડી હોવાનું જણાવી રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિએ અનેક મહાપુરુષો આપ્યા છે, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સમાજ અને નાગરિકોના કલ્યાણ માટે પોતાનું મોટું યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત ગૌ માતાના જતન-સંવર્ધન, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ સહિતના સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણના કાર્યો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે સંત કૃષ્ણચરણદાસજી સ્વામી, સંત ધર્મવલ્લભ સ્વામી અને સંત દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું. ગઈકાલે ગઈકાલે તા.18 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ હતો, તેમના જન્મદિન નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ખાસ ખેસ અને સ્મૃતિચિન્હ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી રાકેશભાઈ દુધાતે શાબ્દિક સ્વાગત અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સચિવ ધીરજ કાકડિયાએ આભાર વિધિ કરી હતી. અમરેલી સ્થિત નવનિર્મિત ધર્મજીવન હોસ્પિટલના ઉદ્ઘાટન – લોકાર્પણ પ્રસંગે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંત દેવપ્રસાદજી સ્વામી, સુરત ગુરુકુળ સંસ્થાના સંત ધર્મવલ્લભ સ્વામી, અન્ય સંતગણ, નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લાના પદાધિકારી શ્રીઓ, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, બહોળી સંખ્યામાં હરિભક્તો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.