America હવે ડીપોર્ટ કરવા માટે આર્મીના વિમાનનો ઉપયોગ નહીં કરે

Share:

ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન પોલિસીના ચુસ્ત અમલ બાબતે સમગ્ર વિશ્વને સંકેત આપવા મિલિટરી ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો

Washington, તા.૮

અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને ડીપોર્ટ કરવાની પ્રક્રિયામાં મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મિલિટરી એરક્રાફ્ટમાં એક વ્યક્તિને ડીપોર્ટ કરવાનો ખર્ચ ૨૦,૦૦૦ ડોલર (૧૭.૪૧ લાખ) થઈ રહ્યો હોવાથી ટ્રમ્પ સરકાર ચોંકી ઊઠી છે. અમેરિકન મિલિટરીની છેલ્લી ફ્લાઈટે ૧ માર્ચે ઊડાન ભરી હતી અને ત્યારબાદ નવી ફ્લાઈટ રવાના કરાઈ નથી. અમેરિકાના સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઊંચા ખર્ચના કારણે આગામી સમયમાં વસાહતીઓનો ડીપોર્ટ કરવાની પ્રક્રિયા દરમિયાન મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ થશે નહીં.  ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન પોલિસીના ચુસ્ત અમલ બાબતે સમગ્ર વિશ્વને સંકેત આપવા મિલિટરી ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો. અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને સાંખી લેવાશે નહીં, તેવું સાબિત કરવા સરકારે બેડીઓ પહેરાવીને વસાહતીઓને પોતાના દેશમાં પરત મોકલ્યા હતા. અમેરિકાના ડીફેન્સ સેક્રેટરી પીટ હેગસેઠે અમેરિકાનાં આ પગલાંને ઉચિત ઠરાવતા અગાઉ કહ્યું હતું કે, કાયદો તોડનાર દરેક વ્યક્તિ અપરાધી છે અને જ્યાં કોઈને પણ જવાનું ના ગમે તેવા ગુઆન્ટેનામો કિનારે તેમને મોકલી દેવામાં આવશે.  વસાહતીઓને ડીપોર્ટ કરવાની નીતિના અમલ બાદ અમેરિકાએ મિલિટરી એરક્રાફ્ટ સી-૧૭ અને સી-૧૩૦ની કુલ ૪૨ ફ્લાઈટ મારફતે ઈમિગ્રન્ટ્‌સને ભારત, ગ્વાટેમાલ, ઈક્વાડોર, પેરુ, હાન્ડુરાસ, પનામા અને ગુઆન્ટાનમો કિનારે મોકલ્યા છે. ઈમિગ્રન્ટ્‌સના દેશનિકાલ માટે કરાયેલા ખર્ચનું સરવૈયું કાઢતાં અમેરિકા સરકારની આંખો પહોળી થઈ ગઈ હતી. એક વ્યક્તિને ગુઆન્ટાનમો મોકલવાનો ખર્ચ ૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧૭.૪૧ લાખ) અને ભારતની પ્રત્યેક ફ્લાઈટનો ખર્ચ ૩ મિલિયન ડોલર (અંદાજે ૨૬.૧૧ કરોડ) થયો હતો.  અમેરિકામાં સિવિલિયન એરક્રાફ્ટમાં કલાકનો ખર્ચ ૮,૫૦૦ ડોલર થાય છે જ્યારે સી-૧૭ મિલિટરી એરક્રાફ્ટનો પ્રતિકલાક ખર્ચ ૨૮,૫૦૦ ડોલર છે. અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને પોતાના દેશમાં મોકલવાનું બંધ કર્યું હતું અને ત્યારબાદ ગુઆન્ટેનામો કિનારે તેમને ફ્લાઈટ મારફતે ઉતારી દેવામાં આવતા હતા. હવે કોલંબિયા અને વેનેઝુએલા પોતાની ફ્લાઈટ મારફતે ઈમિગ્રન્ટ્‌સને પોતાના દેશમાં લઈ જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *