Rajkot,તા.7
ભાજપના રાજયભરનાં સંગઠન પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રનાં સૌથી મહત્વના રાજકોટ જીલ્લામાં પ્રમુખપદે અલ્પેશ ઢોલરીયાને સતત બીજી ટર્મમાં રીપીટ કરવામાં આવતા સમર્થકોએ ધામધૂમપુર્વક ઉજવણી કરી હતી.
પ્રમુખ બનવાના અન્ય આગેવાનોનાં ઓરતા અધુરા રહ્યા હતા. પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં જીત તથા પાર્ટી કાર્યકરોની વચ્ચે-પડખે રહેવાની કામગીરીની નોંધ લઈને આ ‘બોનસ’ આપવામાં આવ્યાનું માનવામાં આવે છે.
રાજકોટ જીલ્લા ભાજપ તરીકે અલ્પેશ ઢોલરીયા રીપીટ થવાની અટકળો વ્યકત થતી જ હતી તેમના અનેક જમાપાસાની નોંધ લેવામાં આવી હતી. જીલ્લાનાં મોટાભાગનાં સીનીયર આગેવાનોએ તેમનું નામ સુચવ્યુ હતું ઉપરાંત ગત ટર્મની કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી. કાર્યકાળ દરમ્યાન વિવિધ ચૂંટણીમાં સમય જીલ્લામાં ભાજપનો દેખાવ સારો રહ્યો હતો.
તાજેતરની નગરપાલિકાની ચૂંટણીમાં ધોરાજી, ઉપલેટા, જેતપુર, ભાયાવદર તથા જસદણ એમ પાંચેય નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો ફરકાવ્યો હતો ગોંડલ યાર્ડના ચેરમેન તરીકેની અભુતપુર્વ કામગીરી અને તેનાં નાતે ગ્રામ્ય વર્ગ સુધીની નોંધને જમા પાસુ ગણવામાં આવ્યું હોય તેમ એક હોદો હોવા છતાં બીજુ પદ આપવામાં હાઈકમાન્ડ હિચકિચાટ રાખ્યો હતો.
પાયાના કાર્યકરોની વાત સાંભળવાની પદ્ધતિ અને નિર્વિવાદ કાર્યકાળ ધ્યાને લેવાયો હતો. સુત્રોના કહેવા પ્રમાણે અલ્પેશ ઢોલરીયાનાં નામ સાથે મનસુખ માંડવીયા, ભરત બોઘરા, જયરાજસિંહ, જયેશ રાદડીયા સહિત મોટાભાગનાં નેતાઓ સંમત હતા.પ્રમુખપદ માટે જીલ્લાનાં અન્ય આગેવાનોએ દાવા કર્યા હતા. પરંતુ કોઈનું ખાસ વજન પડયુ ન હતું.
ભાજપ પ્રમુખોની યાદી વહેલી લીક થઈ જ ગઈ હતી. છતાં વિધીવત રીતે કલસ્ટર ઈન્ચાર્જ મયંક નાયકે રાત્રે જીલ્લા ભાજપ કાર્યાલયે પહોંચીને ઢોલરીયાના નામની જાહેરાત કરી હતી.પાર્ટીની સંકલન બેઠક થયા બાદ નામ જાહેર કરવામાં આવ્યુ હતું તે સાથે સમર્થકો-કાર્યકરોએ ધુમધામથી ઉજવણી કરી હતી.
આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં નેતાઓ પણ હાજર હતા. નાગદાન ચાવડા, નરેન્દ્રસિંહ જાડેજા, ચેતન પાણ સહીતના આગેવાનોએ અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.