Ahmedabad,તા.04
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોતાની 11 વર્ષની સગીર પુત્રીને દુષ્કર્મનો શિકાર બનાવનાર નરાધમ સાવકા પિતાને એત્રેની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ અસ્મિકાબહેન ભટ્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે જીવનના અંતિમ શ્વાસ સુધી કેદ (જીવે ત્યાં સુધી આજીવન કેદ)ની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. વધુમાં, કોર્ટે ભોગ બનનાર પુત્રીને ધી ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ-2019 અંતર્ગત રૂ. સાત લાખનું વળતર અપાવતો પણ હુકમ કર્યો હતો.
પોક્સો સ્પેશિયલ જજે પીડિત પુત્રીને રૂ. સાત લાખનું વળતર પણ અપાવ્યુઃ ચુકાદામાં કોર્ટના સંવેદનશીલ અને માર્મિક અવલોકન
પોક્સો સ્પેશિયલ જજે ચુકાદામાં સંવેદનશીલ અને માર્મિક અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર બે વર્ષની હતી ત્યારથી આરોપી સાથે રહે છે. આટલી નાની વયની બાળકી પર પિતા-તુલ્ય ભાવ જ આવવો જોઈએ. પિતા ઉપર દીકરીના રક્ષણ અને ભવિષ્યની જવાબદારી રહેલ છે તે નિભાવવાના સ્થાને ભોગ બનનાર બાળકી તથા દિકરો ઘરે એકલા છે તેવુ જાણતા હોવા છતા આરોપી સાવકા પિતાએ દારૂ પીને આવીને વાસના ભરી લોલૂપ દ્રષ્ટિએ બાળકીને શિકાર બનાવી હતી. ભોગ બનનાર સગીરાના કુમળા માનસ ઉપર કાયમી રીતે દુષ્પ્રભાવ પડ તેવું આરોપીએ ઘૃણાસ્પદ ગુનાહિત કૃત્ય આચર્યું છે. ફરિયાદીએ દીકરીના પિતા તરીકે મૂકેલ વિશ્વાસ અને ભરોસાનો આરોપીએ ગેરલાભ ઉઠાવી ગંભીર ગુનો આચયી છે તે આરોપીનું નૈતિક અધઃપતન કહી શકાય.
આમ ગુનાની ગંભીરતા ધ્યાને રાખતા અને સમાજનું હિત ધ્યાને લેતા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવી ન્યાયના હિતમાં જરૂરી છે. ચકચારભર્યા આ કેસની ટ્રાયલ દરમ્યાન રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ વિજયસિંહ ચાવડા અને કમલેશ જૈન તરફથી 11 સાક્ષીઓ તપાસી અને 20થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીને સખતમાં સખત સજા ટકારવાની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીના ફરિયાદી માતા સાથે બીજા લગ્ન હતા અને ફરિયાદીના પણ આ બીજા લગ્ન હતા. જો કે, ફરિયાદીની પહેલા લગ્નથી થયેલી પુત્રી તેઓની સાથે રહેતી હતી અને ગત તા.11-11-2019ના રોજ આરોપી પિતા દારૂ પીને આવ્યો હતો અને પોતાની જ સગીર પુત્રી પર નજર બગાડી તેને દુષ્કર્મનો ભોગ બનાવી હતી.
બાદમાં બાળકીને તેની માતાને બીજા દિવસે જાણ કરતાં તેણે આરોપી સાવકા પિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીનો ગુનો ઘણો જ ગંભીર, સમાજ વિરોધી અને અત્યંત ઘૃણાસ્પદ છે. એક પિતા તરીકે દિકરીનું રક્ષણ અને તેને સતત પ્રેમ અને હુંફ આપી સતત તેની પડખે ઉભા રહી તેના ભવિષ્યને બનાવવાની મહત્ત્વની જવાબદારી હોય છે. તેના બદલે પિતાએ રક્ષકની ભૂમિકા ત્યજી પોતે જ ભક્ષક બની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી છે. આવા સમાજ વિરોધી ગંભીર ગુનામાં આરોપીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સખતમાં સખત અને આકરી સજા કોર્ટે ફટકારવી જોઈએ.