Ahmedabad,તા.૨૧
શહેરના મલાવ તળાવ પાસે આવેલી રજવાડું હોટલ પાછળ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. ૨૨ વર્ષીય યુવક ત્યાંથી પસાર થતો હતો. ત્યારે તેના મિત્રોએ જ અગાઉના ઝઘડાની અદાવતમાં માથાકૂટ કરી હતી. જે બાદ આરોપીઓએ હથિયારના ઘા મારીને યુવકને રહેંસી નાખ્યો હતો. વાસણા પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોરાયનગરમાં રહેતો ૨૨ વર્ષીય જીગ્નેશ મેરુભાઈ સરગડા તેના પરિવાર સાથે રહેતો હતો. જીગ્નેશ મલાવ તળાવ પાસે આવેલી રજવાડું હોટલ પાસે હતો ત્યારે કેટલાક શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સોએ જીગ્નેશ સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ મારામારી કરી હતી. સુરજ અને જાંબુ નામના આરોપીઓએ જીગ્નેશ પર હથિયારથી હુમલો કરતા તે ત્યાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ તેને સારવાર માટે ખસેડતા તેને મૃત જાહેર કર્યો હતો. વાસણા પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે સુરજ અને જાંબુ નામના આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાસણા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. એન. પટેલે જણાવ્યું કે મૃતક જીગ્નેશ અગાઉ ચેઇન સ્નેચિંગના અને છરા રાખવાના ગુનામાં ઝડપાયો હતો.
સુરજ અને જાંબુએ અગાઉના ઝઘડાની અદાવતમાં તેની હત્યા કરી છે. સુરજ અને જાંબુ સામે અગાઉ હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે શહેરમાં કેટલાક અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.