Afghanistan,તા.16
છેલ્લા કેટલાંક દિવસોથી વિશ્વના જુદા જુદા ભાગોમાં ભૂકંપનાં આંચકા અનુભવાતા રહ્યા છે.આ સિલસિલો યથાવત હોય તેમ આજે અફઘાનીસ્તાન 5.9 ની તીવ્રતાના ધરતીકંપથી હચમચ્યુ હતું. બાંગ્લાદેશ, ફીલીપીન્સ, ઉપરાંત ભારતનાં કાશ્મીર-દિલ્હી સુધી ધરતી ધ્રુજી હતી.
અફઘાનીસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં વ્હેલી સવારે 4.43 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જે 75 કી.મી. ભુગર્ભમાં હતો. ભૂકંપની તીવ્રતા 5.9ની હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતું. જો કે, જાનમાલને મોટી નુકશાનીના અહેવાલ નથી.
અફઘાનીસ્તાનના ભૂકંપની ધ્રુજારી બાંગ્લાદેશ-ભારત સુધી અનુભવાઈ હતી. ભારતમાં કાશ્મીરના કિશ્તવાડમાં 2.4ની તિવ્રતાનો ભૂકંપ હતો. સવારે 5.14 કલાકે આવેલા આ આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
દિલ્હી-એનસીઆર સુધી તેની ધ્રુજારી હતી. આ સિવાય બાંગ્લાદેશમાં પણ આંચકો હતો. જયાં ભૂકંપની તીવ્રતા 2.9ની નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ફીલીપીન્સમાં પણ 5.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કોઈ જાનહાનીના અહેવાલ નથી.