‘જે કલાકારો ડ્રગ્સનું સેવન કરે છે તે મારા માટે રેડ ફ્લેગ છે અને હું તેમની સાથે કામ નહીં કરીશ.’
Mumbai, તા.૧૭
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સામે સંબંધિત મામલાના સમાચાર સતત સામે આવતા રહે છે, પછી ભલે તે બોલિવૂડ હોય, ટોલીવુડ હોય કે મલયાલમ સિનેમા હોય. તાજેતરમાં જ મલયાલમ અભિનેત્રી વિન્સી અલોશિયસે આ મુદ્દા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહી દીધું છે કે, ‘જે કલાકારો ડ્રગ્સનું સેવન કરે છે તે મારા માટે રેડ ફ્લેગ છે અને હું તેમની સાથે કામ નહીં કરીશ.’વિન્સી તાજેતરમાં જ એક ડ્રગ્સ વિરોધી અભિયાન સાથે સબંધિત એક ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ અવસર પણ તેણે કહ્યું કે, ‘જો મને ખબર પડશે કે મારા કો-સ્ટાર ડ્રગ્સ લે છે, તો હું તેની સાથે કામ નહીં કરીશ.’ વિન્સીનું કહેવું છે કે તેણે આ નિર્ણય પોતાના અંગત અનુભવોના આધારે લીધો છે. અભિનેત્રીએ કહ્યું કે, ‘એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મારો કો-સ્ટાર ડ્રગ્સનું સેવન કરતો હોવાથી મારે ખૂબ જ અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.’વિન્સીએ જણાવ્યું કે, ‘શૂટિંગ દરમિયાન મારા ડ્રેસમાં થોડી સમસ્યા આવી ગઈ હતી, જેને હું ઠીક કરાવી રહી હતી. તે જ સમયે મારા કો-સ્ટારે જાહેરમાં ખૂબ જ ખરાબ અંદાજમાં કહ્યું કે, હું તેનો ડ્રેસ ઠીક કરવામાં મદદ કરી રહ્યો છું. એટલું જ નહીં તેણે પૂછ્યા વિના ડ્રેસને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને આખી ઘટનાને મજાક બનાવીને બધાની સામે કહી દીધી. આ ઘટનાથી હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી.’અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, ‘થોડા સમય પછી તે માણસના મોંમાંથી સફેદ પાવડર જેવું કંઈક નીકળ્યું અને ટેબલ પર પડી ગયું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે, તે ડ્રગ્સના પ્રભાવ હેઠળ હતો. જો તમે ડ્રગ્સ લેવા માંગતા હો, તો તે તમારો વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ કાર્યસ્થળ પર આવું કરવું અને બીજાને હેરાન કરવું એ બિલકુલ ખોટું છે.’