Sabarkantha,તા.07
સાબરકાંઠાના ઈડરના દાવડ ગામની સીમમાં આવેલી જમીનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સહિત લોકો ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો અને ગણોતધારાની જોગવાઈ મુજબ કાર્યવાહીની માંગ સાથે અમદાવાદના અરજદારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કલેક્ટર કચેરીએ રમણલાલ વોરા સહિત લોકો સામે ઈડરના નાયબ કલેક્ટરને નિયમોનુસાર કાર્યવાહી કરીને અહેવાલ મોકલવા આદેશ આપ્યો છે.
ખેડૂતના લાભ મેળવવા ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત બનવા મામલે ઇડરના ધારાસભ્ય રમણ વોરાના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. ગાંધીનગરના પાલેજની જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરવાનો વિવાદ તો હજુ શમ્યો નથી. ત્યાં જ ઇડરના દાવડની સીમની જમીન બાબતે પણ આક્ષેપો થતાં કલેક્ટર તંત્રએ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. અમદાવાદના નારોલમાં રહેતા પ્રકાશ એલ. પરમાર નામના નાગરિકે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમના સર્વે નં. 584, 549, 551 અને 581ની જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત બિનખેડૂત હોવા છતાં ખોટી રીતે ખેડૂત તરીકે દાખલ થયેલા છે. જેની તાકીદે તપાસ કરી કાયદેસર કાર્યવાહી માટે માંગ કરી હતી.
અરજદારે આ સમગ્ર પ્રકરણમાં ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરેલી હોવાથી આખરે કલેકટર કચેરી લેખિત થકી ઇડરના નાયબ કલેકટરને નિયમોનુસાર કાર્યવાહી કરી આધાર પુરાવા સાથેનો અહેવાલ મોકલી આપવા જણાવ્યું હતું. કલેકટર કચેરીએ ધારાસભ્ય સામેની અરજીમાં ત્વરિત તપાસના આદેશ આપતાં આગામી દિવસોમાં ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે. જો કે, જાણવા મળતી બિનસત્તાવાર માહિતી મુજબ દાવડની સદર જમીનનો અન્યને નામે રિવર્સ દસ્તાવેજ થઈ છે. જો રિવર્સ દસ્તાવેજ થયો હોય તો કેમ રિવર્સ કરવો પડ્યો તે પણ તપાસનો વિષય છે.
આ બાબતે ઇડરના નાયબ કલેક્ટર રોનક પટેલે જણાવ્યું હતું કે, ‘દાવડ જમીન પ્રકરણમાં અરજદારે ગણોતધારાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવા કલેકટર કચેરીમાં લેખિત રજુઆત કરી હતી. કલેકટર કચેરીમાંથી નિયમોનુસાર કાર્યવાહી માટે મને લેખિત મોકલાવ્યું હતું. જો કે ગણોતધારા બાબતના અધિકારો મામલતદાર અને કૃષિ પંચ હેઠળના હોવાથી કાર્યવાહી માટે સમગ્ર પ્રકરણ મામલતદારને મોકલી આપ્યું છે. મામલતદારે પણ ગણોતધારા હેઠળની કાર્યવાહી માટે તેઓના વિશેષાધિકાર હોવાનું સ્વીકાર્યું હતું.’