Mumbai,તા.૧૯
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી હરપાલ સિંહે બુધવારે આરોપ લગાવ્યો હતો કે જેલમાં એક ડૉક્ટરે તેની તૂટેલી આંગળીની સારવાર માટે પૈસા માગ્યા હતા. એપ્રિલમાં બનેલી આ ઘટનામાં સંડોવણી બદલ હરપાલની ધરપકડ કરવામાં આવી હતી. હરપાલે આ વાત ત્યારે કહી જ્યારે તેને વીડિયો કોલ દ્વારા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટની વિશેષ કોર્ટમાં જજ બીડી શેલ્કે સમક્ષ હાજર કરવામાં આવ્યો.
આ દાવા બાદ કોર્ટે તલોજા જેલના સીએમઓને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે, જ્યાં હરપાલ સિંહ બંધ છે. આ ઉપરાંત જેલ પ્રશાસનને પણ આરોપીઓને જરૂરી સારવાર આપવાનું કહેવામાં આવ્યું છે. ૧૪ એપ્રિલની સવારે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટરસાઇકલ પર સવાર બે શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે આ હુમલા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હરપાલ સિંહે કોર્ટને જણાવ્યું કે છેલ્લા આઠ મહિનાથી તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ફ્રેક્ચર છે. પરંતુ જ્યારે તે જેલની હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે સીએમઓએ તેને મોટી હોસ્પિટલમાં રિફર કરવા માટે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસમાં કોર્ટે ૭ ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ મંગાવ્યો છે. તે જ સમયે, અન્ય એક આરોપી મોહમ્મદ ચૌધરીએ કોર્ટને કહ્યું કે તેના જમણા પગમાં ચેપ છે. કોર્ટે સીએમઓને મોહમ્મદને જરૂરી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ૧૪ એપ્રિલે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે બાઇક સવારોએ ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મુંબઈ પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. તેની પાસે ૪૦ ગોળીઓ હતી, જેમાંથી ૫નો ઉપયોગ ફાયરિંગ દરમિયાન કરવામાં આવ્યો હતો. પોલીસને ૧૭ કારતુસ મળી આવ્યા છે અને બાકીના ૧૮ની શોધ હજુ ચાલુ છે. આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે ૧૭૩૫ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.