Mumbai,તા.24
છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે આમિર ખાન ’મહાભારત’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લાગે છે કે હવે આ માટે યોગ્ય સમય આવી ગયો છે.આમિર ખાને હાલમાં એક મુલાકાતમાં જણાવ્યું કે ’મારું એક બહુ જૂનું સપનું ’મહાભારત’ બનાવવાનું છે.
હવે મારી પાસે સમય છે ત્યારે હું કદાચ મારું આ સપનું પૂરું કરવાની દિશામાં વધારે સક્રિય બનીને પ્રયાસો કરી શકીશ. આમાં મારા માટે કોઈ રોલ છે કે એ હજી નક્કી નથી, પણ મને આ વિષય હંમેશાં પ્રોત્સાહિત કરે છે.’
આમિરે મુલાકાતમાં પોતાના ભવિષ્ય વિશે ચર્ચા કરતાં કહ્યું કે ‘હું હવે એવું સર્જન કરવા ઇચ્છું છું જેના કેન્દ્રમાં બાળકો હોય. હું માનું છું કે ભારતમાં બાળકો વિશે બહુ ઓછી ક્ધટેન્ટ – ઉપલબ્ધ છે. સામાન્ય રીતે બાળકો માટેની કન્ટેન્ટ વિદેશથી લાવીએ છીએ, ડબ કરીએ છીએ અને રિલીઝ કરીએ છીએ.
હું બાળકો માટે વધારે ને વધારે વાર્તાઓ રજૂ કરવા ઇચ્છું છું. ઍક્ટર તરીકે હું એક સમયે એક જ ફિલ્મ કરીને ખુશ છું, પણ પ્રોડ્યુસર તરીકે વધારે ને વધારે ફિલ્મો કરવા ઇચ્છું છું.
આવતા મહિને હું 60 વર્ષનો થઈ જઈશ અને આવતાં 10થી 15 વર્ષ સુધી હું મહત્તમ કામ કરીને વધારે ને વધારે નવી ટેલન્ટને તક આપવા ઇચ્છું છું. હું મારા પ્રોડક્શન હાઉસને વધારે વિકસિત બનાવવા ઇચ્છું છું.’