હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર ગાંધીનગર જવા રવાના થયા અને આ સમગ્ર મામલાને લઈને મવડી મંડળને રજૂઆત કરાશે
Junagadh,તા.૨૯
જુનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને હવે જુનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પૂર્વ પ્રમુખના પતિ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ આ ધમકી હરેશ ઠુમ્મરને આપી છે. વોટસએપ કોલિંગથી જિલ્લા પ્રમુખને ધમકી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ પણ પ્રમુખને દિનેશ ખટારીયા ધમકીઓ આપી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના સભ્યોમાં આંતરિક મત ભેદો કરાવતા હોવાની ફરિયાદ તેમની વિરૂદ્ધ થઈ હતી.
ઘટનાની વાત કરીએ તો વંથલી તાલુકાના સરપંચઓ દ્વારા ડીડીઓનું સન્માન કરાયું હતું. સન્માન પ્રસંગે સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ શુભેચ્છા મુલાકાત બાદ દિનેશ ખટારીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર ગાંધીનગર જવા રવાના થયા અને આ સમગ્ર મામલાને લઈને મવડી મંડળને રજૂઆત કરાશે.
ડીડીઓ અને સરપંચ યુનિયનના ચાલતા વિવાદમાં ભડકો થયો છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈ દિનેશ ખટારિયાએ નિવેદન આપતા કહ્યું કે મેં આવી કોઈ ધમકી આપી નથી. મારો વિરોધ માત્રને માત્ર જિલ્લા વિકાસ અધિકારી સામે છે, એ પણ ગામડાના વિકાસ માટે ડીડીઓની જોહુકમી સામે વિરોધ છે.