થોડા મહિનાઓથી નવી બોલિવૂડ ફિલ્મોની રિલીઝમાં લાંબા અંતરને ધ્યાનમાં રાખીને, ઘણી ફિલ્મો રી-રિલીઝ થઈ રહી છે
Mumbai,તા.૧૭
સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘વીર ઝારા’ ફરી એકવાર રૂપેરી પડદે પાછી આવી છે. ૨૦ વર્ષ પહેલાં પ્રથમવાર સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ થિયેટરોમાં દર્શકોની ભીડ જમાવી રહી છે. ‘વીર ઝારા’, જે તેના સમય દરમિયાન શાહરૂખની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી, હવે તેની ફરીથી રિલીઝ સાથે ૧૦૦ કરોડ રૂપિયાના આંક તરફ નજર કરી રહી છે. રિલીઝના ૨૦ વર્ષ બાદ પણ તે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો માઇલસ્ટોન પાર કરી શકે છે.થોડા મહિનાઓથી, નવી બોલિવૂડ ફિલ્મોની રિલીઝમાં લાંબા અંતરને ધ્યાનમાં રાખીને, ઘણી ફિલ્મો ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે અને આ ફરીથી રિલીઝ થયેલી ફિલ્મોનું પ્રદર્શન ઘણી નવી ફિલ્મો કરતાં વધુ સારું રહ્યું છે.
અહેવાલો મુજબ, ‘વીર ઝારા’ લગભગ ૩૦૦ શો સાથે રી-રિલીઝ કરવામાં આવી છે અને પહેલા જ દિવસથી તેણે દર્શકોને શાહરૂખ બ્રાન્ડ રોમાંસના જાદુ હેઠળ આકર્ષિત કરવાનું શરૂ કર્યું હતું. કિંગ ખાનની સૌથી પ્રતિકાત્મક રોમેન્ટિક ફિલ્મોમાંની એક ‘વીર ઝારા’ એ પહેલા જ દિવસે એટલે કે શુક્રવારે લગભગ ૨૫ લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
શનિવારે તેની કમાણી વધીને લગભગ ૪૦ લાખ રૂપિયા અને રવિવારે તેનું ગ્રોસ કલેક્શન ૪૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે ફિલ્મની માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મના વધુ ૧૦૦ શો વધારવામાં આવ્યા છે અને હવે ફિલ્મ ૪૦૦ જેટલી સ્ક્રીન પર ચાલી રહી છે. રી-રિલીઝના શરૂઆતના સપ્તાહમાં જ, ફિલ્મે ૧.૧૦ કરોડથી વધુ એટલે કે ૯૦ લાખથી વધુની કમાણી કરી છે.
‘વીર ઝારા’એ તેના મૂળ બોક્સ ઓફિસ રનમાં વિશ્વભરમાં રૂ. ૯૫ કરોડથી વધુનું કુલ કલેક્શન કર્યું હતું. તાજેતરમાં, આ ફિલ્મ બહુ ઓછી સ્ક્રીન પર ફરીથી રિલીઝ કરવામાં આવી છે અને વર્તમાન કલેક્શન સહિત, ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી રૂ. ૯૭ કરોડને વટાવી ગઈ છે.
૨૦૦૪માં જ્યારે આ ફિલ્મ પહેલીવાર રિલીઝ થઈ હતી ત્યારે આ આંકડો ઘણો મોટો હતો. ગયા વર્ષે શાહરુખ ખાને બે બેક ટૂ બેક ૧૦૦૦ કરોડની કમાણી કરતી ફિલ્મો આપી હતી, હવે તેની ૨૦ વર્ષ જૂની ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચે છે તે બતાવે છે કે તેનું કદ કેટલું મોટું છે.