Rajkot,તા.29
રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં જ રાજકોટના તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થયો છે. 2025 અગાઉ રાજકોટમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમીનો અગાઉનો રેકોર્ડ 44.8 ડિગ્રી હતો, 14 એપ્રિલ 2017માં આ તાપમાન નોંધાયું હતું. આ વર્ષે એપ્રિલમાં રાજકોટમાં ગરમી સતત 9 એપ્રિલના 45.2 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે.
અમદાવાદમાં 27 એપ્રિલ 1958ના 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એપ્રિલમાં અમદાવાદમાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે. અમદાવાદમાં 2012થી 2021માં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન 30 એપ્રિલ 2020માં નોંધાયું હતું. 2021 બાદની વિગત હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી નથી. અમદાવાદમાં સોમવારે અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો. સોમવારે રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે 133 વર્ષ બાદ એપ્રિલ માસનો રેકોર્ડ ગરમીએ તોડ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં 44 ડિગ્રી સાથે એપ્રિલમાં છેલ્લા 10 વર્ષનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેની સાથે જ એપ્રિલમાં જ આવી ગરમી છે તે મે મહિનામાં તે કેવું રૌદ્ર સ્વરૂપ દર્શાવશે તે ચર્ચાનો વિષય છે.
ગુજરાતમાં આ ઉપરાંત કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 45 સે.એ પહોંચ્યું હતું તો અમદાવાદ, અમરેલીમાં પારો 44 સે.ને પાર થઈ ગયો હતો. જ્યારે ગાંધીનગર 43 અને જુનાગઢ, ભૂજ, ભાવનગર, ડીસા 42 તથા વડોદરા 41 સે. સાથે સમગ્ર રાજ્યના ખાસ કરીને જ્યાં ગીચ વસ્તી છે તેવા મહાનગરોમાં લોકો અસહ્ય તાપથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અમદાવાદમાં પણ 3 વર્ષનું સૌથી વધુ તાપમાન આ એપ્રિલમાં નોંધાયું છે.
દરિયાકાંઠા નજીકના સ્થળોએ લૂ વર્ષા ઓછી રહી હતી પરંતુ, બફારો અનુભવાતો હતો જેમાં સુરત, દિવ, વેરાવળ, ઓખા, દ્વારકામાં 34 સે.થી નીચું મહત્તમ તાપમાન રહ્યું હતું. આવતીકાલે પણ રાજકોટ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવનું એલર્ટ જારી કરાયું છે. રાજકોટ સહિત સ્થળે સાંજના સમયે પણ લૂ વર્ષા અનુભવાઈ હતી અને તબીબી સૂત્રોએ લોકોને તડકામાં બહાર નીકળવાનું ટાળવા, પુરતું પાણી પીવા અપીલ કરી છે.
અનેક વિક્રમો તોડતી અગનવર્ષાની સત્તાવાર વિગત મુજબ 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં એપ્રિલ માસમાં 21મી સદીની શરૂઆત પહેલાના 110 વર્ષમાં ક્યારેય 44 સેલ્સિયસને પાર થયું નથી. ચાલુ એપ્રિલ માસના આરંભ સુધી શહેરમાં સર્વાધિક તાપમાનનો રેકોર્ડ વર્ષ 2017માં 44.8 સેલ્સિયસનો હતો જે ગત તા. 9 એપ્રિલે 45.2 સે. તાપમાને તૂટયો હતો અને સોમવારે માત્ર 20 દિવસમાં જ ઉંચા તાપમાનનો નવો રેકોર્ડ અને તે પણ 1 સે.જેવા વધુ તાપમાન સાથે 46.2સેલ્સિયસનો સર્જાયો છે. ગંભીર બાબત એ છે કે ઉંચુ તાપમાન એપ્રિલના છેલ્લા વીકમાં નોંધાવાને બદલે આ વર્ષે શરૂઆતમાં પણ નોંધાયું છે. જે ભાવિના એંધાણ આપે છે.