Mumbai તા.28
મુંબઈ શેરબજારમાં આજે તેજીની રોનક જોવા મળી હતી. ભારત-પાક વચ્ચે ટેન્શન સહિતના નેગેટીવ કારણોને ડિસ્કાઉન્ટ ગણીને માર્કેટ તેજીના માર્ગે દોડયુ હતું. સેન્સેકસમાં ઈન્ટ્રા-ડે 1005 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનુ બન્યુ હતુ. અમેરિકા-ચીન વચ્ચે પણ ટ્રેડવોર હળવુ થઈ રહ્યાના સંકેતો ઉપરાંત વિદેશી નાણાંસંસ્થાઓની એકધારી જંગી લેવાલી, ચોમાસુ નોર્મલ કરતા પણ સારૂ રહેવાની આગાહી, વ્યાજદરમાં વધુ ઘટાડો થવાના સંકેત સહિતના કારણોની સારી અસર હતી. પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન છતાં કોઈ ગંભીર અસર ન હતી.
જાણીતા શેરબ્રોકરોના કહેવ પ્રમાણે ભારત માટે કોઈ ગંભીર પરિણામો નહીં સર્જાવાની ગણતરી મુકામી હતી. વિદેશી નાણાં સંસ્થાઓની સતત ધૂમ લેવાલીએ માર્કેટને જોરદાર ટેકો આપ્યો છે અને તેની હુંફે માર્કેટમાં તેજીની આગેકૂચ રહી છે.
શેરબજારમાં આજે મોટાભાગના શેરો ઉંચકાયા હતા. બેંક, ઓટોમોબાઈલ્સ, સ્ટીલ સહિતના ક્ષેત્રોના શેરોમાં તેજી હતી. એકસીસ બેંક, રીલાયન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ, ભારત ઈલે. જેવા શેરોમાં ઉછાળો હતો. એચસીએલ ટેકનો, શ્રીરામ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1043 પોઈન્ટના ઉછાળાથી 80256 હતો તે ઉંચામાં 80321 તથા નીચામાં 79341 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 292 પોઈન્ટ ઉંચકાઈને 24331 હતો તે ઉંચામાં 24355 તથા નીચામાં 24054 હતો. બીએસઈમાં આજે 4091 શેરોમાં ટ્રેડીંગ હતું. 1993માં સુધારો હતો. 1906માં ઘટાડો હતો. માર્કેટ કેપીટલાઈઝેશન 426.07 લાખ કરોડ હતું.