New Delhi,તા.28
જો તમે જીમેલનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહેજો. ગૂગલે પોતાની ઈમેલ સર્વિસના 3 અબજથી વધુ યૂઝર્સ માટે મહત્વની ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી એક ખતરનાક ફિશિંગ કૌભાંડની છે, જેમાં સ્કેમર્સ યુઝર્સ પાસેથી લોગિન ડિટેલ્સ ચોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આ ફિશિંગ એટેકનો ખુલાસો એક સોફ્ટવેર ડેવલપર દ્વારા કરવામાં આવ્યો છે, જેણે એક્સ પર કહ્યું હતું કે, તેને ’NoReplyGoogle.com’ તરફથી એક શંકાસ્પદ ઇમેઇલ મળ્યો છે.
ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુઝરના ગૂગલ એકાઉન્ટ ડેટાને લઇને સમન જારી કરવામાં આવ્યું છે.
આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે ? :-
આ ફેક ઈમેઈલમાં એક લિંક હોય છે, જે ગૂગલના રિયલ સપોર્ટ પેજ જેવી લાગતી હોય છે, પરંતુ વાસ્તવમાં આ એક ફિશિંગ સાઈટ હોય છે. આ મેઈલમાં ગૂગલની ઘણી ઓથેન્ટિકેશન ચેક પાસ થઈ ગઈ હતી, જેનાં કારણે યૂઝર્સને લાગતું હતું કે આ અસલી છે.
જ્યારે યુઝર્સ તે લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેઓ એક વેબસાઇટ પર પહોંચે છે જે બિલકુલ ગૂગલ લોગિન પેજ જેવી જ દેખાય છે. ત્યાં લોગ ઇન કરતાં જ તેમનો ઇમેલ અને પાસવર્ડ સ્કેમર્સના હાથમાં આવી જાય છે.
તે કેટલું જોખમી છે ? :-
ગૂગલના રિપોર્ટ મુજબ આ ફિશિંગ એટેકને ખૂબ જ ચાલાકીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી યૂઝર્સને છેતરી શકાય. આ વિશ્વભરનાં જીમેલ વપરાશકર્તાઓની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.
ગૂગલે આ ધમકીનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તે ટૂંક સમયમાં તેનો સામનો કરવા માટે નવા સુરક્ષા પગલાં લાગંત કરશે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અજાણી લિંક્સ પર ક્લિક ન કરે અને હંમેશાં ઇમેઇલ્સની માન્યતાઓને તપાસે.
આવા ફિશિંગ કૌભાંડોથી કેવી રીતે બચવું ? :-
:- કોઈપણ શંકાસ્પદ ઇમેઇલ્સ પર ક્લિક કરવાનું ટાળો.
:- ઇમેઇલમાં આપેલી લિંકને સીધાં બ્રાઉઝરમાં ટાઇપ કરો.
:- ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.
:- પાસવર્ડ મેનેજર વાપરો.
:- ગૂગલની સિક્યોરિટી ચેકઅપ સર્વિસનો ઉપયોગ કરો.