Patna,તા.૨૪
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ હુમલાની વિવિધ નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ દરમિયાન, આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પહેલગામ હુમલા પર નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું, ’પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જે રીતે આતંકવાદીઓએ આટલા બધા લોકોને માર્યા. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ક્યારેય પ્રવાસીઓ પર હુમલો થયો નથી.
તેમણે કહ્યું, ’અમે ઈચ્છીએ છીએ કે સરકાર, સેના અને તપાસ એજન્સીઓ પૂરી તાકાતથી જરૂરી પગલાં લે, જેથી ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થઈ શકે.’ પરંતુ પહેલગામ પહેલાથી જ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર છે. આમ છતાં, આ ઘટના કેવી રીતે બની? આ તો સરકાર અને તપાસ એજન્સીઓ જ કહી શકે. આજે આખો દેશ એક સાથે ઉભો છે. આ મામલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, ’આપણે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું, “ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. આ આતંકવાદી હુમલાના ગુનેગારો તેમજ તેની પાછળ છુપાયેલા લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. હું દેશને ખાતરી આપવા માંગુ છું કે યોગ્ય અને સ્પષ્ટ જવાબ આપવામાં આવશે.” રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે તેના પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે.