આતંકવાદના ખાત્મા માટે ભારતે તેનાં મૂળ પર પ્રહાર કરવો પડશે. માત્ર ઓપરેશન ક્લીન જેવાં સફાઈ અભિયાનથી વાત નહીં બને. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પાછળ જે પણ મૂળિયાં કામ કરી રહ્યાં છે, તેને કાપવાં જરૂરી છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિઃશસ્ત્ર પર્યટકોને નિશાનો બનાવ્યા છે. આતંકીઓએ નામ પૂછીને બિનમુસ્લિમોને ગોળી મારી છે. અમરનાથ યાત્રા પહેલાં આ કાયરતાપૂર્ણ આતંકી હુમલો આ યાત્રામાં અડચણ નાખવાની કોશિશ છે. પવિત્ર અમરનાથ યાત્રા પર મોટાભાગના હિંદુઓ જાય છે. આ વખતે યાત્રા ૩ જુલાઈથી શરૂ થવાની છે. સરકાર બેશક જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ઘ સખ્તાઇથી એક્શન લઈ રહી છે, સેના અને અન્ય સુરક્ષા દળો સંમિલિત રૂપે ઓપરેશન ક્લીન ચલાવી રહ્યા છે, ટેરર ફંડિંગના સ્રોતો પર પ્રહાર કરવામાં આવ્યો છે, અલગતાવાદીઓને સાઇડલાઈન કરાયા છે, તેમ છતાં ઘાટીમાં આતંકી હુમલા બંધ નથી થઈ શક્યા.
રાજ્યપાલ શાસન બાદ હવે એક નવી ચૂંટાયેલી સરકાર છે. જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત કરવું જરૂરી છે, તેના માટે સદીઓ સુધી રાહ ન જોઈ શકાય. એંસીના દાયકાથી આ રાજ્ય આતંકના કબ્જામાં હતું, ત્યાં પર્યટકો ડરી રહ્યા હતા. કાશ્મીરમાં આતંકવાદ પાછળ પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સંડોવાયેલી છે, તેને દંતહીન-વિષહીન બનાવવી જરૂરી છે. ભારતે આતંકના મદદગાર અને આતંકવાદમાં સામેલ જૂથો પર એક સાથે પ્રહાર કરવો પડશે. ભારત સાડા ચાર દાયકાથી આતંકવાદ વિરુદ્ઘ લડી રહ્યં છે, આગળ ક્યાં સુધી લડતું રહેશે એ પણ ખબર નથી, પરંતુ એક મજબૂત વિકસિત રાષ્ટ્ર માટે જરૂરી છે કે દેશ પોતાના દુશ્મનોને આકરો પાઠ ભણાવે. હાલના વર્ષોમાં કાશ્મીરમાં આતંકવાદની એક પેટર્ન જોવા મળી છે, જેમાં બિનમુસ્લિમો પર જ હુમલા કરાય છે. ૨૦૨૨માં પણ શોપિયાં અને કુલગામમાં થયેલા આતંકી હુમલામાં પણ નામ પૂછીને ગોળી મારવામાં આવી હતી. મુંબઈ ૨૬/૧૧ આતંકી હુમલામાં પણ એવું જ જોવા મળ્યું હતું. આ સીરિયાઇ આતંકી જૂથ ઇસ્લામિક સ્ટેટની પદ્ઘતિ હતી, જેને હવે પાકિસ્તાનના આતંકી જૂથ લશ્કર અને જૈશે પણ અપનાવી લીધી છે. પહેલગામમાં આતંકી હુમલાની જવાબદારી લશ્કરે તૈયબા સાથે જોડાયેલા આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રંટ (ટીઆરએફ)એ લીધી છે. લશ્કર પાક સ્થિત આતંકી જૂથ છે, તેથી સ્પષ્ટ છે કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનના આતંકી જૂથનો હાથ છે. કાશ્મીરમાં આટલી સુરક્ષા અને ઓપરેશન ક્લીન છતાં ટીઆરએફનું વજૂદ ચિંતા પેદા કરે છે. પહેલગામ આતંકી હુમલાના દોષીઓને છોડવા ન જોઇએ. ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે, સઉદી અરબની યાત્રા પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ અમિત શાહ સાથે વાત કરી છે, પરંતુ સવાલ એ પણ છે કે પર્યટનના મહિનામાં શું સરકાર પાસે આતંકી હુમલાની ગુપ્તચર માહિતી કે સીઆઇડી ઇનપુટ ન હતા? તમામ સુરક્ષા વચ્ચે મુઠ્ઠીભર આતંકીઓ આટલા મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં કેવી રીતે સફળ થઈ જાય છે, તેમના સુધી ફંડ અને શસ્ત્રો કેવી રીતે પહોંચી રહ્યા છે? બહારથી તેમની ઘૂસણખોરી કેવી રીતે થઈ રહી છે? જો ટીઆરએફને સ્થાનિક મદદ મળી રહી હોય તેનો પણ પર્દાફાશ જરૂરી છે. હવે આતંકવાદ વિરુદ્ઘ ઝીરો ટોલરન્સ માત્ર નીતિમાં જ નહીં, પણ એક્શનમાં જરૂરી છે.