Amreli,તા.24
અમરેલીમાં દિલ્હી સ્થિત એવિએશન સ્કૂલ દ્વારા સંચાલિત વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતાં તાલીમાર્થી પાઇલટનું મૃત્યુ થયું હતું. ૨૨ વર્ષીય તાલીમાર્થી પાયલોટ અનિકેત મહાજન વિઝન ફ્લાઈંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટનો વિદ્યાર્થી હતો. અકસ્માત સમયે તે એકલો ઉડાન ભરી રહ્યો હતો, જે ટેકનામ પી-૨૦૦૮ સિંગલ એન્જિન વિમાન હતું. જેના પગલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ ઘટનાની તપાસ માટે નવી દિલ્હીથી એક ટીમ મોકલી હતી, જેણે ગઈકાલે મોડી સાંજે જ અમરેલી આવીને પ્લેન ક્રેશ થયું એ સ્થળનું નિરીક્ષણ કરવા સહિતની તપાસ કરીને રીપોર્ટ માટે મુદ્દા ટાંક્યા હતા.
ગઈકાલે બપોરે અમરેલીના ગીરીયા રોડ પર આવેલા શાસ્ત્રીનગરમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારમાં તાલીમી વિમાન ક્રેશ થયાની દુર્ઘટનામાં પાયલટનું મૃત્યુ થવા સિવાય મોટી જાનહાની ટળી હતી, પણ ઘટનાને ગંભીરતાથી લઈને દિલ્હી સ્થિત એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તાબડતોબ ખાસ ટીમની રચના કરીને તેને અમરેલી મોકલી દીધી હતી. જે ટીમ ગત મોડી સાંજે અમરેલી આવી પહોંચી હતી. બાદમાં વિમાન જે સ્થળે ક્રેશ થયું તે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી અને વિમાનની અંદર રહેલા જરૂરી કાગળો, બ્લેક બોક્ષ, પાર્ટસ સહિતના પુરાવા એકત્ર કર્યા હતા. આ સાથે સ્થાનિકો પાસેથી પણ વિમાન ક્રેશ અંગેની માહિતી મેળવી હતી.
અમરેલી શહેરમાં ગઈકાલે મંગળવારના રોજ વિઝન ફ્લાઈંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટનાં ટ્રેનિંગ સેન્ટરનું તાલીમી વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ જતા પાયલટ ગંભીર રીતે દાઝી જતાં મોત થયું હતું. જ્યારે ત્રણ સ્થાનિક યુવકો ઘાયલ થયા હતા. શહેરી વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જે ઘટનાને ગંભીરતાથી લઈને વિમાન કઈ રીતે ક્રેશ થયું તેની તપાસ કરવા માટે દિલ્હીથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)ની ટીમ ગઈકાલે મોડી સાંજે જ આવી પહોંચી હતી. જેમણે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની તપાસ કરી હતી.