Una,તા.24
ઊનામાં બે દિવસ પહેલા અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત થયું હતું. આ બનાવની પોલીસ તપાસમાં સાળાએ જ કાર ચડાવી દઈ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવતા અકસ્માતનો બનાવ હત્યામાં ફેરવાયો હતો. સંયુક્ત પરિવાર સાથે ગીર કનકાઈ ફરવા ગયેલા ત્યારે જંગલમાં કચરો ફેંકવા અંગે ઠપકો આપતા ગુસ્સામાં ભાન ભૂલી સાળાએ ખૂની કૃત્યને અંજામ આપ્યો હતો. કનકાઈ ફર્યા બાદ ઊના આવી રોહિતે સવારે પોતાના કબજાવાળી કારનું પુરઝડપે ડ્રાઇવીંગ કરી રોડ પર ઉભેલા ભરતગીરી સાથે અથડાવી દેતા તેઓ પડી ગયા હતા. આમ, બનેવી ભરતગીરીને મારી નાખવાના ઇરાદે તેમની પર કાર ચડાવી દેતા ગંભીર ઇજાથી તેમનું મોત થયું હતું. આ બનાવમાં પીઆઇ રાણાએ રોહિતગીરી ઉર્ફે રોકી બાબુગીરી ગોસ્વામીની અટક કરી પોલીસ સ્ટેશને લાવી સઘન પૂછપરછ કરતા બનેવી ભરતગીરીનું ખૂન કર્યું હોવાની કબુલાત કરી લીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રોહિત સામે હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.
કોડીનાર તાલુકાના વેલણ ગામે રહેતા ભરતગીરી ઉર્ફે ભારતગીરી પ્રભાતગીરી ગોસ્વામી (ઉ.વ. 56)ને ગત તા. 21ના સવારે 11.20ની આસપાસ કોઈ અજાણ્યા વાહને હડફેટે લઈ લેતા ગંભીર ઇજા થવાથી તેમનું મોત થયું હતું. આ બનાવમાં મૃતકના પુત્ર મિતગીરીએ ઊના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની સ્થળ પર પીઆઇ મહેન્દ્રસિંહ રાણાએ વિઝીટ કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા શેરીના રસ્તા પર બનાવ બનેલો હોવાથી અકસ્માત નહીં પણ બીજું કંઈ હોવાની આશંકા જણાતા પરિવારના સભ્યોની પૂછપરછમાં સત્ય હકીકત છુપાવતા હોવાનું જોવા મળ્યું હતું. આથી આ ઘટનાનું સત્ય શોધવા સર્વેલન્સ ટીમને સૂચના અપાતા પીએસઆઇ એસ.બી.બોરીચા અને સ્ટાફે આગવી ઢબે તપાસ કરી માહિતી મેળવી હતી. જેમાં મૃતક ભરતગીરીના સાળા રોહિતગીરી ઊનામાં જીઈબી સોસાયટીમાં રહે છે અને ગત તા.૨૦ના સંયુક્ત પરિવાર સાથે ગીર કનકાઈ ફરવા માટે ગયા હતા. જ્યાં વડીલોએ ના પાડવા છતાં જંગલમાં કચરો ફેંકતા તે અંગે ઠપકો આપતા રોહિત ગુસ્સે થઈ રિસાઈ ગયો હતો