Ahmedabad,તા.23
છેલ્લાં પચાસ વર્ષોથી પણ વધુ સમયથી સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિના પ્રસાર માટેના નોંધપાત્ર યોગદાન માટે શ્રી મૂકેશ પટેલને ભારતના રાષ્ટ્રપતિ દ્રારા રેડક્રોસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
હાલ અમદાવાદ રેડક્રોસના ચેરમેન એમેરિટસ શ્રી મૂકેશ પટેલે સંસ્થાના પૂર્વ પ્રમુખ તરીકે ઉલ્લેખનીય સેવાઓ આપીને અમદાવાદ રેડક્રોસને વિશ્વના એક શ્રેષ્ઠ બ્લડ સેન્ટરનું બહુમાન અપાવવા માટે સાતત્યપૂર્ણ કામગીરી કરી છે, જે બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રારા રેડક્રોસ ગોલ્ડ મેડલ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. આ સન્માન તેમના 1972થી આજ દિન સુધીના – પાંચ દાયકા કરતાં પણ વધુ સમયના નિષ્ઠાપૂર્વકના સેવાકાર્ય, સ્વૈચ્છિક રક્તદાન અને થેલેસેમિયા કૅપ મિશન અર્થાત્ થેલેસેમિયા અંગે કાળજી, જાગૃતિ અને નિવારણના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે આપવામાં આવી રહ્યું છે. પોતાની આગવી સૂઝ અને રચનાત્મક અભિગમ તથા અનેક નવતર પ્રયાસો થકી તેમણે સંસ્થાને સતત ધબકતી રાખી છે.
શ્રી મૂકેશ પટેલે સ્વયં એકસો એકાવન (151) વખત રક્તદાન કરીને સૌને રક્તદાન માટે પ્રેરણા આપવામાં આગેવાની કરી છે. તેઓ અમદાવાદ રેડક્રોસ સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબના સ્થાપક અધ્યક્ષ છે. આજે આ ક્લબમાં 138 શતકવીર રક્તદાતાઓ (100 વખતથી વધુ રક્તદાન કરનાર) છે — જે એક અનોખો વૈશ્વિક રેકોર્ડ છે. દુનિયાના કોઈપણ એક જ શહેરમાં અમદાવાદથી વધુ સંખ્યામાં શતકવીર રક્તદાતાઓ નથી.
હાલમાં ભારતના સૌથી મોટા અને અતિ આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ બ્લડ સેન્ટર તરીકે કાર્યરત અમદાવાદ રેડક્રોસ શતાબ્દી ભવનની સ્થાપનામાં મૂકેશપટેલનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે. દાયકાઓથી આ સેન્ટર બ્લડ કલેક્શન અને સ્ટોરેજ માટેના આગવા પ્રયાસોમાં અગ્રેસર રહ્યું છે. રાષ્ટ્રપતિના ગોલ્ડ મેડલથી સન્માનિત થનાર અમદાવાદના પ્રથમ વ્યક્તિ તરીકે શ્રી મૂકેશ પટેલની પસંદગીથી અમદાવાદ રેડક્રોસ અતિ ગૌરવની લાગણી અનુભવે છે.
દર વર્ષે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય કાર્યાલય દ્રારા આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં રાષ્ટ્રપતિ દ્રારા બે રેડક્રોસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. આ વર્ષનો સન્માન સમારંભ 13 મે, 2025ના દિવસે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાશે જેમાં રાષ્ટ્રપતિ શ્રી મૂકેશ પટેલને રેડક્રોસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.