New Delhi, તા. 23
કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદીઓના ભયાનક હુમલામાં ભોગ બનેલા પ્રવાસીઓનો મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ હુમલાના પગલે પાટનગર દિલ્હીથી માંડીને ગુજરાત સુધીના રાજયોમાં હાઇએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે અને સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે.
પહેલગામમાં પ્રવાસી પરનો હુમલો 1990ના દાયકા પછીનો સૌથી ભયાનક ગણાવવામાં આવ્યો છે. આ પૂર્વે માર્ચ-2000ના વર્ષમાં અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓએ શીખ સમુદાયના 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ વખતે ત્રાસવાદીઓએ દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા જે પાછળનો ઇરાદો દેશમાં કોમી, અશાંતિ સર્જવાનો હોય શકે છે.
કાશ્મીર હુમલાના પગલે કેન્દ્ર સરકારે વળતા એકશન લેવાની તૈયારી શરૂ જ કરી દીધી હોય તેમ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે અને દિલ્હીથી માંડીને ગુજરાત સુધીના રાજયોમાં સુરક્ષા વધારવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું.
પાટનગરના પ્રવાસન સ્થળો ઉપરાંત ભીડભાડ ધરાવતા જાહેર સ્થળો, બજારો તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આવા સ્થળોએ વધારાનો સુરક્ષ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
આ સિવાય વિદેશોથી આવતા શંકાસ્પદ ફોનકોલને આંતરવાની પણ સૂચના જારી કરવામાં આવી હતી. જેને કારણે કોઇ વધુ ષડયંત્રને અંજામ આપતા પૂર્વે જ પકડી શકાય.
પાટનગર દિલ્હી ઉપરાંત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, લાલ કિલ્લા, કુુતુબમીનાર જેવા સ્થળોએ પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તમામ જિલ્લા પોલીસ પ્રમુખોને પોતપોતાના ક્ષેત્રોના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારવા અને અત્યંત તકેદારી રાખવા સૂચના જારી કરવામાં આવી હતી.
આતંકવાદી ભીડભાડવાળા ધરાવતા સ્થળોને નિશાન બનાવી શકે તેવી આશંકાને ધ્યાનમાં રાખીને હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ મહત્વના શહેરો તથા સ્થળોએ સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલગામના હુમલાના પગલે દેશભરમાં કોમી રીતે સંવેદનશીલ ગણાતા રાજયોમાં એલર્ટના આદેશો કરવામાં આવ્યા છે.