New Delhi,તા.22
દેશમાં સ્માર્ટફોનના વધતા જતા બજાર સાથે હવે મોબાઈલ ફોનનું સેકન્ડહેન્ડ માર્કેટ પણ સતત વિસ્તરી રહ્યું છે અને ફોનમાં પણ નવા નવા ફીચર્સ તેમજ ફાઈવ-જી સહિતની સુવિધાઓ મળવા લાગતા અગાઉના ફોર-જી ફોન પણ આઉટ ઓફ ડેટ થવા લાગ્યા છે. પરંતુ તેની સામે સેકન્ડ હેન્ડ માર્કેટમાં પણ ડિમાંડ વધી છે.
દેશમાં 2024માં વહેંચાયેલા દર પાંચમાંથી એક ફોન સેકન્ડહેન્ડ હતો. ભારતમાં ઈ-વેસ્ટના નિકાલ માટે કોઈ પોલીસી નથી. નવા મોડેલ લોન્ચ થતા જ જૂના મોડેલ વેચાવા માટે માર્કેટમાં આવી જાય છે. જેમાં છુટક વિક્રેતાઓ ઉપરાંત કંપનીઓ પણ બાયબેક કરે છે અને આ પ્રકારના ફોન બાદમાં તેની નાની-મોટી ક્ષતિઓ દુર કરીને બજારમાં ફરી એક વખત વેચાવા આવે છે.
જેના કારણે સ્માર્ટફોનની માર્કેટમાં સેકન્ડરી ફોનનું પ્રમાણ સતત વધતુ જાય છે. સેકન્ડહેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે તેનું કારણ નાણાંકીય તંગી પણ જવાબદાર માનવામાં આવે છે અને છ કે આઠ મહિના ઉપયોગ કરેલ ફોન 50 ટકાથી ઓછી કિંમતે મળી જાય છે. ખાસ કરીને ચાર થી પાંચ હજારની રેન્જના સેકન્ડહેન્ડ સ્માર્ટફોનની માર્કેટ ડિમાંડ વધુ છે.