પૃથ્વીની સ્વસ્થતા એ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય બાબત છે. હજારો વર્ષોથી સૂર્યમંડળમાં પૃથ્વીનું ભ્રમણ થઈ રહ્યું છે. માનવજાત સહિત અનેક જીવો પૃથ્વી ઉપર સજીવન થઈને વિસર્જન પણ થઈ ચૂકેલા છે. ત્યારે આજના સમયમાં પૃથ્વી ઉપર મનુષ્ય દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ મનુષ્ય માટે દુવિધાઓ બનતી જાય છે અને પૃથ્વીને નુકસાન કરતી હોય તેવું પ્રતીત થાય છે. પૃથ્વી ઉપર આજે સૌથી મોટું સંકટ ગ્લોબલ વોર્મિંગ અને પ્લાસ્ટિકનું દુષણ બની ચુક્યું છે. પૃથ્વીને નુકશાન એ દરેક જીવના અસ્તિત્વને નુકશાન સમાન છે. ત્યારે સમગ્ર વિશ્વમાં પૃથ્વીની તંદુરસ્તી પ્રત્યે જાગૃતતા લાવવા દર વર્ષે ૨૨ એપ્રિલે ‘વિશ્વ પૃથ્વી દિવસ‘ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવાનો છે અને પ્રદૂષણનું ઝેર સતત ઓગળી રહ્યું છે તે વાતાવરણ તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે.
વિશ્વ પૃથ્વી દિવસ ૨૦૨૫ થીમ
દર વર્ષે જુદી-જુદી થીમ આધારિત વિશ્વ પૃથ્વીની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ વર્ષે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ અંતગર્ત સમગ્ર વિશ્વમાં ૫૫માં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ થીમનો ઉદેશ્ય દરેકને નવીનીકરણ ઉર્જા માટે એક થવાનું આહ્વાન કરવામાં આવે છે, જેથી આપણે ૨૦૩૦ સુધીમાં સ્વચ્છ વીજળીને ત્રણ ગણી વધારી શકીએ.
સરકાર દ્વારા પૃથ્વીના જતન માટે કરવામાં આવતા પ્રયાસો
લોકો પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણના મહત્વને સમજી તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન, સોલાર એનર્જી, પર્યાવરણ સંરક્ષણ સહિતના અભિયાનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પૃથ્વી પર જીવવાના દરેકના અધિકારને સુરક્ષિત રાખીને જેટલું બને તેટલું ઓછું પૃથ્વીને નુકસાન થાય તેવું સામાજિક જવાબદારીપૂર્ણ વર્તન કરવું જોઈએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં પર્યાવરણ જાળવવાની દિશામાં નવતર કદમ અને પહેલથી દેશને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય સુધારવાની નવી દિશા મળી છે. ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવાના સંકલ્પને સાકાર કરવા ૨૦૩૦ સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી ૫૦૦ ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના ૫૦ ટકા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે.
ભારતમાં પૃથ્વી સંરક્ષણની મહત્તા સમજીને અલગથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના પણ કરવામાં આવી છે. હવામાન, આબોહવા, સમુદ્ર અને દરિયાકાંઠાના રાજ્ય, જળવિજ્ઞાન, ભૂકંપશાસ્ત્ર અને કુદરતી જોખમો માટે સેવાઓ પૂરી પાડવા તેમજ દરિયાઈ સજીવ અને નિર્જીવ સંસાધનોનું ટકાઉ રીતે અન્વેષણ અને ઉપયોગ કરવા તેમજ પૃથ્વીના ત્રણ ધ્રુવો આર્કટિક, એન્ટાર્કટિક અને હિમાલયનું અન્વેષણ કરવાના ઉદેશ્ય સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કાર્યરત છે. મંત્રાલય દ્વારા હાલ પાંચ યોજનાઓ “એટમોસ્ફિયર અને ક્લાયમેટ રિસર્ચ-મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (ACROSS)”, “ઓશન સર્વિસીસ, મોડેલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (O-SMART)”, “પોલર સાયન્સ એન્ડ ક્રાયોસ્ફિયર રિસર્ચ (PACER)”, “સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ (SAGE)” અને “સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચ (REACHOUT)” ને મર્જ કરીને “પૃથ્વી” એક છત્ર યોજના પણ અમલી બનાવી છે.
ગુજરાતમાં પણ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ સંપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના ઉદ્યોગો અને સૌના સહયોગથી ગુજરાત પર્યાવરણ પ્રિય ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહી કાર્ય કરી રહ્યું છે. દેશભરમાં ગુજરાત ગ્રોથ એન્જીન તરીકે વિકસી રહ્યું છે ત્યારે વિશેષ પહેલ રૂપે રાજ્યમાં અલગથી “કલાઈમેન્ટ ચેન્જ” વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. સાથે સાથે ધર્મસ્થાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી ‘પ્લાસ્ટીક મુક્ત‘ કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
એક અંદાજ પ્રમાણે ૧ કિલો ઘઉં પકવવા ૮૦૦ લિટર જેટલું પાણી વપરાય છે. ત્યારે તેનો બગાડ આપણને પોષાય તેમ નથી. વીજ બચાવ, ઈંધણ બચાવ જેવા અભિયાન એ સમયની માંગ છે. આગામી પેઢીને ‘સ્વસ્થ પર્યાવરણ’ આપવું એ આપણી નૈતિક ફરજ છે. વડાપ્રધાનશ્રીએ સાંસ્કૃતિક વનોના નિર્માણ, એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું હતું. જે આજે જનઅભિયાન બની ગયું છે. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના આ સમયગાળામાં પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ આજના સમયની જરૂરિયાત છે. કારણ કે, તેની સાથે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ સંકળાયેલું છે. પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન કર્યું છે, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે, તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ પૃથ્વી દિવસનો ઈતિહાસ
પૃથ્વી પર વિવિધ સ્ત્રોતોથી ફેલાતા પ્રદૂષણની પૃથ્વી પર ખરાબ અસર પડી રહી છે. જેને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૬૯માં સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત યુનેસ્કો પરિષદમાં દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે ૨૨ એપ્રિલ,૧૯૭૦ ના રોજ પ્રથમ વખત વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના વિસ્કોન્સિનના સીનેટ ગેલાર્ડ નેલ્સને દ્વારા પ્રદૂષણ, જૈવ વિવિધતા ક્ષતિ અને અન્ય સમસ્યાઓ અંગે વધતી ચિંતાઓને જોતા પૃથ્વી દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ પૃથ્વી દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
વિશ્વ પૃથ્વી દિવસ પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને આપણી પૃથ્વી અને તેના ઇકોસિસ્ટમના રક્ષણના મહત્વની યાદ અપાવે છે. પ્રથમ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો ત્યારથી તે પૃથ્વી પરના દરેક માનવી માટે વૈશ્વિક ઘટના બની ગઈ છે. જેમાં કરોડો લોકો વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, શૈક્ષણિક પહેલ જેવી ગતિવિધિઓમાં સામેલ થઈને અન્ય લોકોને પ્રેરણા આપે છે અને તે પૃથ્વીની સલામતી અને સંરક્ષણ માટે અત્યંત જરૂરી છે.
સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાતા જળ અને વાયુ પ્રદૂષણને જોતા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું એ દરેક માનવીની નૈતિક ફરજ બની ગઈ છે. તો, ચાલો સૌ સાથે મળીને પૃથ્વીનું રક્ષણ કરીએ.