Ahmedabad,તા.21
પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામના લોકોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. મધ્ય પ્રદેશના પાંચ લોકો વતન જવા માટે સરખેજથી ગીતામંદિર બસ સ્ટેન્ડ આવવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષા ચાલકે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે આવીને રિક્ષા ચાલકે રૃા. ૩૦૦ના બદલે રૃા.૭૦૦ ભાડું માંગીને તકરાર કરી હતી. રિક્ષા ચાલકે તેના સાગરિતો બોલાવીને ચાકુ બતાવીને ડરાવીને યુવકો પાસેથી રૃા.૫૦૦૦ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે ખાડિયા પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશ વતની અને ચાંગોદર ખાતેની ખાનગી કંપનીમાં કામ કરતા યુવકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે કંપનીમાં તેનો ભાઇ હરદોલ કુશ્વાહ, બોબી, મામા અજબસિંહ, ગોપાલ અને મિત્ર રાહુલ ડામોર કામ કરી રહ્યા છે. ગઇકાલે શનિવારે કંપનીમાં એક મહિનાની રજા લઇને તમામ પાંચ લાકો વતનમાં જવા નીકળ્યા હતા.
સરખેજ ઉજાલા સર્કલથી ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ આવવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અગાઉથી એક શખ્સ બેઠેલો હતો જેમાં આવતી વખતે વ્યક્તિ દીઠ રિક્ષાનું ભાડું રૃા. ૩૦ નક્કી કર્યું હતું રિક્ષા ચાલકે ખાડિયા આસ્ટોડિયા ચાર રસ્તા પાસેની ભૂતની આંબલી પાસે રિક્ષા ઉભી રાખી હતી અને રિક્ષા ચાલકે રૃા. ૭૦૦ ભાડું માંગતા ફરિયાદી યુવકે કેમ આટલું ભાડુ પૂછતા રિક્ષા ચાલકે તકરાર કરી હતી અને અન્ય શખ્સ સાથે મળીને પાંચેયને ચાકુ બતાવીને ડરાવીને કુલ રૃપયા પાંચ હજાર લૂંટીને ફરાર થઇ ગયા હતા.