Ahmedabad,તા.૧૯
એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને સરળતાએ સ્વાસ્થ્ય અંગેની ઉત્તમ સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે. સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે એવું જ એક ટ્રસ્ટ એચસીજી આસ્થા હોસ્પિટલમાં દ્વારા પણ ઊભું કરવામાં આવ્યું છે, જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર માટે અનુભવી ડોક્ટર્સની ટીમ કાર્યરત છે, જેનો લાભ કેન્સરના દર્દીઓએ મળશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ‘એચસીજી આસ્થા’ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. સાથોસાથ કેન્સરની સારવાર માટે વિશ્વસ્તરનું ઓપરેશન થિએટર પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી કેન્સરની સારવાર વધુ અસરકારક રીતે કરી શકાશે.
નાગરિકોની જીવનશૈલી અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગથી લઈને આયુષ્માન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સૌ કોઈએ રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, જેનાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે હોસ્પિટલના રિજનલ ડાયરેક્ટર ભરત ગઢવીએ જણાવ્યું કે એચસીજી આસ્થા હોસ્પિટલ ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેકનોલોજી આધારિત સર્વાંગી મોડલ છે. જેનાથી અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને આસપાસનાં રાજ્યોના દર્દીઓને ઉચ્ચ કક્ષાની અને અસરકારક કેન્સરની સારવાર મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલ ૨૧૭ બેડની ક્ષમતા ધરાવે છે. જેમાં ૨૩ સર્જિકલ આઇસીયુ બેડ, ૧૦ મેડિકલ આઇસીયુ બેડ, ૨૩ ડે-કેર બેડ, ૧૬ પ્રી અને પોસ્ટ-ઓપરેટિવ બેડ અને ૬ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. આ નવા યુનિટથી ૩૦ થી ૪૦ ટકા જેટલી સંખ્યામાં વધારે દર્દીઓને સારવાર મળી શકશે. જેનાથી વાર્ષિક ૫૫ હજારથી વધુ બહારના અને ૭ હજાર જેટલા સ્થાનિક દર્દીઓને સારવાર આપી શકાશે. ૧૦૦થી વધુ ઘરેલુ અને મલ્ટિટેલેન્ટેડ ડોક્ટરોની ટીમ દ્વારા સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી, ન્યુક્લિયર મેડિસિન, પીડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજી અને એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક્સમાં સરળતાથી અને પ્રાથમિક સારવારથી લઈ છેલ્લે સુધીની સારવાર પ્રદાન કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અજયકુમાર, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના સીઇઓ રાજગોરે તેમજ એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના તબીબોની સમગ્ર ટીમ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.