અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૫૫) માં કહે છે કે..
પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે
જે વખતે સાધક મનમાં આવેલી તમામ કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી (પોતે-પોતાનાથી) આત્મામાં(પોતે-પોતાનામાં) જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.આપણે બુદ્ધિને સ્થિર બનાવવા પ્રયત્ન કરીએ છીએ પરંતુ કામનાઓનો ત્યાગ થતાં જ બુદ્ધિ આપો આપ સ્થિર થઇ જાય છે.
મારૂં મનગમતું થાઓ તથા અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઇચ્છા એ “કામના“ છે.અંતઃકરણમાં જે અનેક સુક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેમને “વાસના“ કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ “સ્પૃહા“ છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ “આસક્તિ“ છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ “તૃષ્ણા“ છે.વસ્તુની ઇચ્છા અધિક વધવાથી “યાચના“ થાય છે…આ બધાં કામનાનાં જ રૂપો છે.
કામના પોતાનામાં કે મનમાં નથી.કામના તો આવવા-જવાવાળી છે અને પોતે નિરંતર રહેવાવાળો છે આથી પોતાનામાં કામના કેવી રીતે થઇ શકે? મન એક કરણ છે અને તેમાં પણ કામના નિરંતર રહેતી નથી પરંતુ તેમાં આવે છે.આથી મનમાં પણ કામના કેવી રીતે થઇ શકે? પરંતુ શરીર-ઇન્દ્રિયો મન-બુદ્ધિ સાથે તાદાત્મય હોવાના કારણે મનુષ્ય મનમાં આવવાવાળી કામનાઓને પોતામાં માની લે છે.
કામનાઓના ચાર ભેદ છે.(૧)શરીર નિર્વાહમાત્રની આવશ્યક કામનાઓ પુરી કરી દેવી.આવી કામનાઓમાં ચાર વાતોનું હોવું આવશ્યક છે.જે કામના વર્તમાનમાં ઉત્પન્ન હોય જેવી કે ભૂખ લાગતાં ભોજનની કામના..જેની પૂર્તિની સાધન સામગ્રી વર્તમાનમાં ઉ૫લબ્ધ હોય..જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું સંભવ ના હોય..જેની પૂર્તિથી પોતાનું તથા બીજાનું કોઇનું ૫ણ અહીત ના થતું હોય..(ર)જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પુરી કરવાનું આ૫ણા સામર્થ્યની બહાર હોય તેને ભગવાનને અર્પણ કરીને દુર કરી દેવી.(૩)બીજાઓની તે કામના પુરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય અને જેને પુરી કરવાનું સામર્થ્ય આ૫ણામાં હોય..(૪)ઉ૫રોક્ત ત્રણેય કામનાઓ સિવાયની બીજી બધી કામનાઓને વિચાર દ્વારા દૂર કરી દેવી.
જે સમયે બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે એટલે કે પોતાને પોતાનામાં સહજ સ્વાભાવિક સંતોષ થાય છે.સંતોષ બે પ્રકારનો હોય છે.એક સંતોષ ગુણ છે અને બીજો સંતોષ સ્વરૂપ છે.અંતઃકરણમાં કોઇ પ્રકારની કોઇપણ ઇચ્છા ન હોવી-આ સંતોષ ગુણ છે અને પોતાનામાં અસંતોષનો જે અત્યંત અભાવ છે-આ સંતોષ સ્વરૂપ છે.પોતાનામાંથી સઘળી કામનાઓનો ત્યાગ કરી દીધો એટલે કે કામનાઓ મારામાં છે એવી માન્યતાને હટાવી દીધી ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાયો એટલે કે તેને પોતાની સ્થિતપ્રજ્ઞતાનો અનુભવ થઇ જાય છે.જે સમય સાધક સાંસારીક રૂચિનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે તે સમયે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે.સમતાની પ્રાપ્તિના માટે બુદ્ધિની સ્થિરતા ખૂબ આવશ્યક છે.
સમગ્ર ગીતામાં “પાર્થ“ સંબોધન આડત્રીસ વખત આવ્યું છે.અર્જુનના માટે આટલી સંખ્યામાં બીજું કોઇ સંબોધન આવ્યું નથી,આનાથી માલૂમ પડે છે કે ભગવાનને “પાર્થ“ સંબોધન વધારે પ્રિય લાગે છે.
જેનો ઉદ્દેશ્ય પરમાત્મા છે તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી હોય છે કારણ કે પરમાત્મા પણ એક છે પરંતુ જેનો ઉદ્દેશ્ય સંસાર છે તેની બુદ્ધિ અસંખ્ય કામનાઓવાળી હોય છે કારણ કે સાંસારીક પદાર્થ અનેક છે. સાધક જ્યારે મનોગત કામોને ત્યજી દે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ થાય છે.પ્રવૃત્તિનું પ્રથમ પ્રેરક તત્વ કામ છે. કામ એટલે એવી ઇચ્છા જેને રોકી ના શકાય.કામ વ્યક્તિને દુર્વિષયો પ્રત્યે જબરજસ્તીથી ખેંચી જતો હોય છે.આમ તો તમામ પ્રબળ દુરિચ્છાને કામ કહી શકાય પણ સૌથી મહાપ્રબળ ખેંચનારૂં તત્વ યૌનાચાર છે. તેની પ્રબળતા એટલી બધી પ્રચંડ હોય છે કે સામાન્ય વ્યક્તિની તો વાત જ શું કરવી ! મોટા-મોટા સમર્થોને પણ તે ખેંચી લઇ જાય છે.આવા મનોગત બધા કામોને જ્યારે સાધક ત્યજી શકે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ થાય છે.
હવે આગળના બે શ્ર્લોકોમાં ભગવાન સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે છે? તેનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૫૬)માં કહે છે કે..
દુખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ
વિતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરૂચ્યતે..
દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતાં જેના મનમાં સ્પૃહા થતી નથી તથા જેના રાગ-ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિરબુદ્ધિ કહેવાય છે.ક્રિયામાં ભાવ જ મુખ્ય છે.ક્રિયામાત્ર ભાવપૂર્વક જ થાય છે.ભાવ બદલાતાં ક્રિયા બદલાઇ જાય છે.
ભક્ત સર્વત્ર અને સર્વમાં પોતાના ૫રમ પ્રિય પ્રભુને જ જુવે છે.આથી તેની દ્દષ્ટિમાં મન-વાણી અને શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓ પ્રભુની પ્રસન્નતા માટે જ થાય છે,એવી અવસ્થામાં ભક્ત કોઇપણ પ્રાણીને ઉદ્વેગ કેવી રીતે ૫હોચાડી શકે? મનનું એકરૂ૫ ન રહેતાં હલચલયુક્ત થઇ જવું એ ઉદ્વેગ કહેવાય છે. ગીતાના અધ્યાયઃ૧૨/૧૫મા શ્લોકમાં ઉદ્વેગ શબ્દ ત્રણવાર આવ્યો છે.૫હેલીવાર ઉદ્વેગની વાત કહીને ભગવાને બતાવ્યું છે કે ભક્તની કોઇ૫ણ ક્રિયા તેના તરફથી કોઇ મનુષ્યના ઉદ્વેગનું કારણ બનતી નથી.બીજીવાર ઉદ્વેગની વાત કહીને એ બતાવ્યું છે કે બીજા મનુષ્યની કોઇ૫ણ ક્રિયાથી ભક્તના અંતઃકરણ માં ઉદ્વેગ થતો નથી.આ સિવાય ૫ણ બીજા કેટલાક કારણોથી ૫ણ મનુષ્યને ઉદ્વેગ થાય છે જેમકે વારંવાર પ્રયત્ન કરવા છતાં ૫ણ પોતાનું કાર્ય ના થવું, કાર્યનું ઇચ્છાનુસાર ફળ ના મળવું, અનિચ્છાએ ઋતુ ૫રીવર્તન,ધરતીકં૫,પૂર વગેરે ઘટના બનવી.પોતાની કામના-માન્યતા-સિદ્ધાંત અથવા સાધનમાં વિઘ્ન ૫ડવું વગેરે.ભક્ત આ બધા પ્રકારના ઉદ્વેગોથી મુક્ત હોય છે.આ બતાવવા માટે ઉદ્વેગની ત્રીજીવાર વાત કરવામાં આવી છે.ટૂંકમાં જે ભક્ત હોય છે તેના અંતઃકરણમાં ઉદ્વેગ નામની કોઇ ચીજ રહેતી નથી.ઉદ્વેગ થવામાં અજ્ઞાનજનિન ઇચ્છા અને આસુરી સ્વભાવ જ કારણ છે.ભક્તમાં અજ્ઞાનનો અભાવ હોવાથી કોઇ સ્વતંત્ર ઇચ્છા જ રહેતી નથી ૫છી આસુરી સ્વભાવ તો સાધનાવસ્થામાં જ નષ્ટ થઇ જાય છે.ભગવાનની ઇચ્છા જ ભક્તની ઇચ્છા હોય છે.જીવનમાં જેમ દુઃખો આવે છે
આમ વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ સ્પૃહા છે.સુખો આવવાની સંભાવના અને સુખની પ્રાપ્તિ થવા છતાં જેના હૈયામાં તેની સ્પૃહા થતી નથી.સંસારના પદાર્થોનો મન પર જે રંગ લાગી જાય છે તેને રાગ કહે છે.પદાર્થોમાં રાગ થવાથી જો કોઇ સબળ વ્યક્તિ તે પદાર્થોનો નાશ કરે,પ્રાપ્તિમાં વિઘ્ન નાખે તો મનમાં ભય થાય છે.જો વિઘ્ન નાખનાર નિર્બળ હોય તો તેના ઉપર ક્રોધ આવે છે.કામના-વાસના વગેરે એક રાગનાં જ સ્વરૂપો છે.ફક્ત વાસનાનું તારતમ્ય(ઓછા-વત્તાપણું) હોવાથી તેનાં ભિન્ન-ભિન્ન નામો હોય છે. રાગ એટલે આસક્તિ.આસક્તિ એટલે ઉખાડી ના શકાય તેમ ચોટી જવું.આવા રાગથી જે મુક્ત હોય તેને વિતરાગ કહેવાય છે.મનનશીલ કર્મયોગીને મુનિ કહેવામાં આવે છે.મનનશીલનો અર્થ છે સાવધાનીપૂર્વક મનન કે જેથી મનમાં કોઇ કામના-આસક્તિ ના આવી જાય.નિરંતર અનાસક્ત રહેવું એ જ સિદ્ધકર્મયોગીની સાવધાની છે.
આસક્તિથી રહિત થયેલ જે પુરૂષ શુભ કે અશુભને પ્રાપ્ત કરીને ના તો પ્રસન્ન થાય છે કે ના તો દ્વેષ કરે છે તેની બુદ્ધિ સ્થિર છે.તે માણસ સર્વત્ર ભાવુક થઇ જતો નથી,ધીરગંભીર રહે છે.(ગીતાઃ૨/૫૭) જે સઘળી જગ્યાએ સ્નેહ રહીત છે એટલે કે પોતાનાં કહેવાતાં શરીર, ઇન્દ્રિયો,મન-બુદ્ધિ તેમજ સ્ત્રી,પૂત્ર,ઘર,ધન વગેરે પૈકીના કોઇમાં પણ આસક્તિ કે વળગણ નથી.જ્યારે મનુષ્ય સમક્ષ પ્રારબ્ધવશાત શુભ-અશુભ,સારી-ખરાબ,અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે તે પ્રભાવિત થતો નથી.જીવનનો મૂલાધાર સ્નેહ-લાગણી છે.લાગણી છે તો જીવન છે.લાગણીહીનને જીવન હોતું નથી એટલે લાગણી બહુ મોટો ગુણ છે.લાગણીની સાથે ધીર-ગંભીરતા પણ હોવી જોઇએ તે વાત સમજાવવા અનભિસ્નેહ શબ્દ લખ્યો છે.અનભિસ્નેહનો અર્થ સ્નેહહીન,લાગણીહીન કે ભાવનાહીન કરાતો નથી.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)