બીજા વિશ્વયુદ્ઘ બાદ અમેરિકા દુનિયાની સૌથી મોટી આર્થિક અને સૈન્ય શક્તિ બની ગયું. ત્યારથી અમેરિકી ડોલર વૈશ્વિક આરિક્ષત મુદ્રા રૂપે હાવી રહ્યો છે, જેનાથી વોશિંગ્ટનને આખી દુનિયા પર સરસાઇ હાંસલ થઈ. લગભગ ૮૦થી વધારે દેશોમાં ૭૫૦ અમેરિકી સૈન્ય ઠેકાણાં છે. અમેરિકા છેલ્લા સાત દાયકાઓથી બાકી વિશ્વનો એજન્ડા નિર્ધારિત કરતું આવ્યું છે. ૧૯૯૧માં વિઘટન થતાં સુધી સામ્યવાદી સોવિયેત સંઘ જ અમેરિકા સાથે પ્રતિસ્પર્ધામાં હતું. સોવિયેત સંઘ વિખેરાઈ ગયા બાદ હવે ‘સામ્યવાદી-અધિનાયકવાદી’ ચીન જ ‘લોકતાંત્રિક’ અમેરિકાના વર્ચસ્વને સીધો પડકાર આપી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચિત ટેરિફ નીતિને પણ ચીનને બેકફૂટ પર ધકેલવાનો દાવો માનવામાં આવે છે. તેના માટે ટ્રમ્પને કેટલાક લોકો પાગલ પમ ગણાવી રહ્યા છે, પરંતુ ટ્રમ્પના નિર્ણય એક સમજી-વિચારેલી અને દૂરગામી યોજનાનો હિસ્સો છે. બિન-હિસ્પાનિક શ્વેત વર્ગ રૂપે અમેરિકાનો એક મોટો વર્ગ ટ્રમ્પની સંરક્ષણવાદી અને પ્રવાસી-વિરોધી નીતિઓ સાથે ઊભો છે. આ વર્ગ સામે પોતાની ઓળખ અને અસ્તિત્વ બચાવવાનું સંકટ છે. ૧૯૬૦માં અમેરિકામાં આ વર્ગની આબાદી ૮૫ ટકાથી વધારે હતી, જે ૨૦૨૦માં ઘટીને લગભગ ૫૮ ટકા રહી ગઈ. તે અલ્પસંખ્યક થઈ જવાનો ખતરો છે. આ સ્થિતિ અમેરિકાને એક ભયાવહ ગૃહયુદ્ઘ તરફ ધકેલી શકે છે, જેને ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ એટલે કે માગાથી પ્રેરિત નીતિઓથી ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
તેમાં કોઈ શંકા નહીં કે અમેરિકા દુનિયાને પોતાને અનુસાર ચલાવવાનો પ્રયાસ કરતું રહ્યું છે. તેણે નૈતિકતાની દુહાઈ આપીને ૧૯૫૫માં વિયેતનામ પર હુમલો કર્યો, જે ૨૦ વર્ષ બાદ અંદાજે ૩૦ લાખથી વધારે લોકોનાં મોત અને અમેરિકાના પરાજય સાથે સમાપ્ત થયું. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) સંકટ સમયે પણ તેનું વલણ યોગ્ય ન હતું. અમેરિકાએ સ્વાર્થવશ પાકિસ્તાનના સૈન્ય તાનાશાહો સાથે સારા સંબંધો રાખ્યા. ૧૯૭૯-૮૯ માં અફઘાનિસ્તાનથી સોવિયેત સંઘને ખદેડવા માટે અમેરિકાએ પાકિસ્તાન-સઉદી અરબની મજહબી સહાયતાથી જેહાદી જંગને સહારો આપ્યો અને તાલિબાનને અફઘાનિસ્તાનમાં સ્થાપિત કરાવ્યા. જોકે ૨૦૦૧માં ન્યૂયોર્કમાં થયેલ આતંકી હુમલા બાદ તેણે પોતાની નીતિ બદલી અને અફઘાનિસ્તાનમાં તાલિબાનને નિશાનો બનાવ્યું. જ્યારે નવા નિઝામ સાથે પણ વાત ન બની તો કાલાંતરમાં ફરી તાલિબાન સાથે સમજૂતી કરી લીધી. ‘સામુહિક વિનાશના ઘાતક હથિયારો’ને ધ્વસ્ત કરવાના નામે ૨૦૦૩માં ઇરાક પર હુમલો કરવામાં આવ્યો અને હજારો લાશો બિછાવ્યા બાદ તાનાશાહ સદ્દામ હુસેનને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો. સ્પષ્ટ છે કે અમેરિકાનું બેવડું વલણ સુવિધાવાદી દૃષ્ટિકોણ દેખાય છે.
અમેરિકાની તુલનામાં ચીનને પરિભાષિત કરવું ક્યાંય વધારે જટિલ છે. ત્યાંનું રાજકીય માળખું એકપક્ષીય વામપંથી અધિનાયકવાદ પર આધારિત છે, જ્યારે અર્થતંત્ર ૧૯૭૮થી વિકૃત મૂડીવાદથી ગ્રસ્ત છે. આ વ્યવસ્થામાં લોકતંત્ર, માનવાધિકાર અને અસહમતિને કોઈ અવકાશ નથી. માનવીય શ્રમને મશીન રૂપે પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે, જેને કારણે ચીન સસ્તા ઉત્પાદનનું ‘વૈશ્વિક કારખાનું’ બની ગયું છે. સભ્યતાગત પૂર્વગ્રહને કારણે ચીનના મનસૂબા સામ્રાજ્યવાદી પણ છે. આ ક્રમમાં તે દાયકાઓ પહેલાં તિબેટને ગળી ગયું, તો હવે ભારત સહિત અનેક દેશો સાથે તેનો સીમા વિવાદ ચાલે છે. તે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય સમુદ્ર માર્ગો પર એલફેલ દાવા કરતું રહે છે.