ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે’, દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગરમાઈ ગુજરાતની રાજનીતિ
Ahmedabad,તા.૧૪
ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર ડ્રગ્સ ઝડપાવા મામલે સવાલ ઉઠાવ્યા છે. દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે ૧ હજાર ૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૩૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.
પાકિસ્તાની ડ્રગ્સ સ્મગલર ભારતમાં ૪૦૦ કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાનો હોવાની એટીએસને બાતમી મળી હતી. આ ડ્રગ્સ તમિલનાડુમાં લઈ જવાની યોજના હતી. આ બાતમીને આધારે કાર્યવાહી કરીને એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે ડ્રગ્સની હેરાફેરી પર પાણી ફેરવી દીધું. તો બીજી બાજું એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની કામગીરીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એટીએસ અને આઇસીજીને અભિનંદન આપ્યા.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરીને સવાલો પણ ઉઠાવ્યા છે, તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ્ય સરકાર પર પ્રહારો કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ગઈ રાત્રિના ગુજરાતના દરિયાકિનારેથી ૧૮૦૦ કરોડનું ૩૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આ ઘણી ચિંતાનો વિષય છે. ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય, ડ્રગ્સના રવાડે ચડે. આ નશાનો કરોબારો બેરોકટોક ચાલી રહ્યો છે. ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય, ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની ગયું છે. ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે, એ ચિંતાનો વિષય છે. વધુમાં તેમને કહ્યું કે ભાજપ સરકારને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે અજાણ્યા શખ્સો નાખી દે છે તેવું સામે આવે છે. તો ડ્રગ્સના આકાઓ કેમ નથી પકડાતા? ખાનગી બંદર પરથી અનેક વખત ડ્રગ્સ પકડાય છે પણ કોઈ તપાસ નથી થતી. ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, ગુજરાતના દરિયાકિનારેથી ૧૮૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે. યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ડ્રગ્સની હેરાફેરી કરનારના ભૂતકાળમાં બીજેપી નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતાનો વિષય છે. ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃતિ વધવાનું કારણ છે.
દેશનો દરિયા કિનારો ૭૫૧૭ કિ.મી લાંબો છે. જેમાં ગુજરાત પાસે ૧૬૪૦ કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર ૧૪૪થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઈ સરહદ નજીક છે. પાકિસ્તાન અને ઈરાન ડ્રગ્સની હેરફેર કરે છે, જેમાં પાકિસ્તાનના કરાચી બંદર અને ઈરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઈ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં સ્ડ્ઢ ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક થઈ ગઈ છે. ઘણીવાર પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દેવામાં આવે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે.