Ahmedabad ,તા.૧૧
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત દાન અને જીવનદાનની સરવાણી વહી છે. મહાવીર જયંતીના પવિત્ર દીવસે થયેલા બે અંગદાન થકી કુલ ૮ લોકોને નવજીવન આપીને તેમનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે.
પ્રથમ અંગદાનની વિગતો જોઇએ તો હિંમતનગર સાબરકાંઠાના ૪૧ વર્ષીય ભદ્રશીલાબેનને તારીખ ૭/૪/૨૦૨૫ના રોજ બાઇક સ્લીપ થતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સઘન સારવાર અર્થે તારીખ ૮/૪/૨૦૨૫ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં સારવાર દરમિયાન તા.૯/૪૯૨૦૨૫ના રોજ ડૉક્ટરોએ ભદ્રશીલાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાનની ટીમ દ્વારા પરીવારજનોને અંગદાનના મહત્વ વિષે સમજાવવામાં આવતા તેમના પતિએ અંગદાનનો ઉમદા નિર્ણય કરીને અન્યોની પીડા દૂર કરવાનો નિર્મણ કર્યો. ભદ્રશીલાબેનના અંગદાન થી ૨ કીડની, એક લીવર, એક સ્વાદુપિંડ તેમજ એક હ્રદયનું દાન મળ્યુ.
બીજા અંગદાનના કિસ્સામાં અમદાવાદના ૨૫ વર્ષના યુવાનને પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી સારવાર માટે તારીખ ૦૬ એપ્રિલના સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમ્યાન ૦૯ એપ્રિલના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દીને બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવતા તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાનથી બે કીડની અને એક લીવરનું દાન મળ્યું.
સિવિલ હોસ્પિટલમાં થયેલ આ બે અંગદાનથી મળેલ ૪ કીડની અને ૨ લીવર તેમજ એક સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૧૨ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૯૪ વ્યકિતઓને જીવનદાન મળ્યુ. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૪૦ કિડની, લીવર -૧૬૩, હ્રદય ૬૦, ફેફસા ૩૦, સ્વાદુપિંડ ૧૧, બે નાના આંતરડા, સ્કીન ૧૦ અને ૧૨૬આંખોનું દાન મળ્યું છે. પોતે કોઇપણ ધર્મ કે ભગવાનમાં આસ્થા રાખતા હોય પણ દરેક વ્યક્તિ ઉપર દયાભાવ રાખવાના અને સત્કર્મ કરવાના ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને મહાવીર જયંતીના પવિત્ર દીવસે આત્મસાત કર્યા હોય તેમ આ બંને અંગદાતા પરીવારજનોએ અંગદાનનો નિર્ણય કરી ખરેખર એક ઉતમ ઉદાહરણ સમાજ માટે પુરુ પાડ્યુ છે.