Surendranagar,તા.08
ડોક્ટરે બોટલ ચડાવી સુગર લેવલ વધારવામાં આવ્યું હતું પરંતુ કલ્યાણીની તબિયતમાં કોઈ ફરક પડયો નહોતો અને તા.૧૮ માર્ચના રોજ અવસાન થયું હતું. આ મામલે મૃતકના પિતાએ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમજ મેડીસીન વિભાગ આઈસીયુમાંથી ૮ માળના ભોયતળીયે આવેલી આઈસીયુ સુધી દિકરીને સ્ટ્રેચરમાં જાતે ખેંચીને લાવી પડી હતી તેમજ ડાયાલીસીસ સમયે પણ દિકરીને જાતે જ સ્ટ્રેચરમાં લઈ જવાનો વારો આવ્યો હતો. આ અંગે ડાયાલીસીસ રૂમથી આઈસીયુના બેડ સુધી દિકરીને લઈ જવાના સીસીટીવી કુટેજ આપવાની પણ માંગ કરી છે તેમજ ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરી ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીથી લઈ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દુધરેજ રોડ પર આવેલી ટી.બી.હોસ્પીટલના ફરજ પરના ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે રતનપર વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ સાથે મૃતકના પિતાએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને જવાબદાર ડોક્ટર સહિત સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
રતનપરમાં ઈન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં રહેતા નિલેશભાઈ ખોખાણીની દિકરી કલ્યાણીને ગત તા.૧૬ માર્ચના રોજ ન્યુમોનીયાની અસર જણાઈ આવતા સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ (ટી.બી.હોસ્પિટલ)માં દાખલ કરવામાં આવી હતી. ડાયાબીટીસની દર્દી કલ્યાણીને ૧૭ માર્ચના રોજ સાંજે સભાન અવસ્થામાં ડાયાલીસીસ માટે લઈ જવામાં આવી હતી અને ડાયાલીસીસ પૂર્ણ થયા બાદ સભાન અવસ્થામાં હતી. પરંતુ ડાયાલીસીસ રૂમથી આઈસીયુ રૂમ તરફ લઈ જતી વખતે વચ્ચે સુગર લેવલ અંગે અનેક વખત માતા-પિતાએ રજૂઆત કરવા છતાં ફરજ પરના ડોક્ટર અને નર્સે ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને સુગર લેવલ એકાએક ઘટી જતા થોડી જ મિનિટોમાં બેભાન અવસ્થામાં ચાલી ગઈ હતી.