દેશની સરહદે અને આંતરિક રૂપે પણ બહુ જ સતર્ક અને સમજદાર રહેવાનો સમય છે. દેશમાં વક્ફ બિલના સમર્થન અને વિરોધમાં જ્યારે પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી કરાવવાનું ષડયંત્ર બહુ નિંદનીય છે, પરંતુ સૌથી વધુ ચિંતાજનક ભારત અને બંગાળની ખાડીને લઈને રજૂ કરવામાં આવેલ બાંગ્લાદેશના મુખ્ય સલાહકારના વિચાર છે. બાંગ્લાદેશની કાર્યવાહક સરકારના જે તેવર દેખાય છે, તેનાથી ચિંતા પેદા થઈ છે. જે રીતે મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસે ભારતની કથિત મજબૂરીઓ કે ખામીઓનો હવાલો આપતાં ખુદને સમુદ્રના માલિક ગમાવ્યા છે, તેનાથી સચેત થઈ જવું જોઇએ. તેમની શબ્દાવલીથી એવું લાગે છે કે તે ભારતની શક્તિનો યોગ્ય રીતે હિસાબ નથી લગાવી શક્યા. ભારતે તેમને ઇદ મુબારક પાઠવ્યા અને બદલામાં ચીનમાં ભારત પ્રત્યે તેમણે જે વાહિયાત કડવાશ દેખાડી છે, તેનાથી સવાલ ઊભા થાય છે. બાંગ્લાદેશ પોતાના ફાયદા અને ચીનને ખુશ કરવાના પ્રયાસમાં ભારતની ચિંતાઓની અવહેલના કરી રહ્યું છે. આ અવહેલનાનો અર્થ ભારતીય રાજદ્વારીઓને સમજાઇ જવો જોઇએ. આખરે બંગાળની ખાડીનું એકલું માલિક બાંગ્લાદેશ કેવી રીતે હોઇ શકે?
બંગાળની ખાડી સાથે જેટલી સીમા ભારતની જોડાય છે, તેના આંકડા કદાચ બાંગ્લાદેશની હાલની કઠપૂતળી સરકાર પાસે નથી. એક છાત્ર આંદોલનના ઓઠા તળે ચાલુ સરકારને પદભ્રષ્ટ કરીને આવેલી કઠપૂતળી સરકાર જો ખોટા નિષ્કર્ષ કાઢે અને ચીન જેવા દેશો સાથે ભળી જાય તો દેખીતું છે કે તેનાથી દક્ષિણ એશિયામાં અસ્થિરતાને જ બળ મળશે. ભારત એક ઉદાર દેશ છે, પરંતુ તેની શક્તિનો અંદાજ ચીનને પણ છે. પાકિસ્તાનને પણ બહુ આશા રહે છે, પરંતુ કોઇપણ યુદ્ઘમાં ચીને તેના ખભા સાથે ખભો નથી મિલાવ્યો, કારણ કે ભારત સાથે તેના સંબંધો અલગ પ્રકારના છે. ચીનના ઉચ્ચ નેતા ભારતના વજૂદથી વાકેફ છે. બંગાળની ખાડી હોય કે હિંદ મહાસાગર કે અરબ સાગર, ત્રણેય જગ્યાએ ભારતની મજબૂત હાજરી છે. ભારતે ક્યારેય પોતાની મજબૂતીનો દુરુપયોગ નથી કર્યો. કઠપૂતળી મોહંમદ યુનૂસના સલાહકારોને જે ભ્રમ થઈ રહ્યા છે તેના પર દયા જ ખાઈ શકાય. આવેશ સાથે સત્તામાં આવેલી સરકારને મોટા નીતિગત મુદ્દા કે મોટા ભૂરાજકીય બદલાવ પર કામ ન કરવું જોઇએ. બાંગ્લાદેશ ક્યારેય ભારત વિરુદ્ઘ લશ્કરી પડકાર ઊભો ન કરી શકે. તેણે પોતાના વિકાસ પર જ ધ્યાન આપવું જોઇએ અને એ પણ જોવું જોઇએ કે ચીનનો સાથ લેવાની કિંમત એ છે કે પાકિસ્તાનના હાથમાંથી ભીખનો કટોરો છૂટવાનું નામ નથી લેતો. પાંચ દાયકા પહેલાં બાંગ્લાદેશને જે આઝાદી હાંસલ થઈ તેમાં તે ભલે ભારતનું યોગદાન ખુલ્લેઆમ ન સ્વીકારે, પરંતુ તેણે કમ સે કમ ભારત વિરુદ્ઘ કોઇપણ પ્રકારની આર્થિક, કૂટનીતિક કે લશ્કરી જૂથબંધીનો હિસ્સો તો ન જ બનવું જોઇએ. ભારત વિરુદ્ઘ બેબુનિયાદ નફરત રાખીને પાકિસ્તાનના હાલહવાલ કેવા છે તે જોઈ લેવું જોઇએ. ભારત હંમેશાં દક્ષિણ એશિયાના વિકાસનું સમર્થક રહ્યું છે. જરૂર પડ્યે ભારતે હંમેશાં પડોશીઓની મદદ કરી છે. ભારત સરકારની પડોશી દેશોને પહેલી પ્રાથમિકતા આપવાની પોતાની નીતિ છે અને એવી જ નીતિની આશા ભારતીય લોકો પોતાના પડોશીઓ પાસે રાખે છે.