Ahmedabad, તા.13
અમદાવાદમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્નના કેસોના નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને આ કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસની વધારાની ચાર નવી કોર્ટો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
નવી ચાર કોર્ટો હોળી પછી 17મી માર્ચથી ધમધમતી થઈ જશે. જો કે, ચેક રિટર્નના કેસોની નવી કોર્ટોમાં હાલની ઘી કાંટા સ્થિત ફોજદારી કોર્ટ(મેટ્રો.કોર્ટ)ના જજો ત્યાં ટ્રાન્સફર થતાં તેમની જગ્યા ખાલી પડશે. તેથી આ સબંધિત મેટ્રો કોર્ટની કામગીરીને અસર થશે.
અલબત્ત, અરજન્ટ ચાર્જની કામગીરીને પહોંચી વળવા આ મેટ્રો કોર્ટનો ચાર્જ અન્ય કોર્ટોને આપવામાં આવ્યો છે. પરંતુ તેમછતાં રૂટીન કામગીરીને અસર થશે તે નક્કી છે.
’ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાર નવી કોર્ટો અપનાબજાર બહુમાળી બિલ્ડીંગ, લાલ દરવાજા ખાતે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, તેનાથી કેસોનું ભારણ નિશંકપણે ઘટશે.
ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસોની હાલ કુલ 12 કોર્ટો આવેલી છે, જે તમામ અપનાબજાર, બહુમાળી બિલ્ડીંગમાં જ કાર્યરત છે. આ ઉપરાંત બે ઓનલાઈન કોર્ટો થોડા સમય પહેલાં જ શરૂ કરવામાં આવી હતી અને હવે આ નવી ચાર કોર્ટો ઉમેરાશે એટલે કે, ચેક રિટર્નના કેસોની કુલ કોર્ટ 18 થશે.’
અમદાવાદ સહિત રાજ્યની જુદી જુદી ચેક રિટર્નના કેસોની કોર્ટોમાં લાખો કેસો પેન્ડીંગ બોલી રહ્યા છે, જેમાં આખા રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આશરે 3.75 લાખથી વધુ કેસો ચેક રિટર્નના ઘણાં સમયથી પડતર બોલી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે, રાજયમાં ચેક રિટર્નના જે કુલ પડતર કેસો છે, તેમાં એકલા અમદાવાદમાં જ આશરે 60 ટકા કેસો તો પડતર છે.