Ahmedabad,તા.13
દેશમાં શિક્ષણના અધિકાર હેઠળ પ્રાથમીક-ખાનગી શાળાઓએ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને માટે નિશ્ચિત કરાયેલા કવોટામાં હવે આ બેઠકો પર પ્રવેશ માટે જે તે બાળકના કુટુંબની વાર્ષિક આવક જે રૂા.1.50 લાખની મર્યાદા છે તે વધારવા રાજય સરકાર વિચારણા કરી રહી છે.
રાજય સરકારના શિક્ષણ વિભાગ પાસે આ અંગે એક દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં રૂા.1.50 લાખની જે આવક મર્યાદા છે તેમાં ચારગણો વધારો કરી સીધો રૂા.6 લાખ કરવા માટે તૈયારી છે.
રૂા.1.50 લાખની આવક એ વાસ્તવિક પણ નથી અને તેથી તેનાથી ઉંચી આવક ધરાવતા પરિવારો અને કયારેક તો ઘરનું મકાન-કાર સહિતની સુવિધા ધરાવતા મહિલાએ કાગળ પર તેની આવક રૂા.1.50 લાખની મર્યાદામાં બતાવીને તેમના સંતાનોના સારી સ્કુલોમાં કોઈ ફી વગર ભણાવવામાં અનેક પ્રકારની ગેરરીતિ પણ આવરી રહ્યા છે.તો ખરેખર રૂા.1.50 લાખ થોડી વધુ આવક ધરાવતા પરિવારો આ પ્રકારના પ્રવેશથી વંચિત રહી જાય છે.
હાલ રાજયની ખાનગી શાળાઓમાં આ પ્રકારે 25% બેઠકો અનામત છે. જેની સંખ્યા 1 લાખ જેટલી થાય છે. આ અંગે શિક્ષણ રાજયમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ એક વાતચીતમાં સ્વીકાર્યુ કે સરકાર આરટીઈ હેઠળના પ્રવેશમાં આવક મર્યાદા વધારવા પર વિચારણા કરી રહી છે અને આ અંગે ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે.
આ આવક મર્યાદા વધારવાનો તર્ક મહત્વનો છે. સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ માટે રૂા.6 લાખ સુધીની આવક મર્યાદા છે અને તેથી સરકાર આરટીઈમાં પણ તેજ માપદંડ અપનાવવા જઈ રહી છે. સરકાર આ પ્રકારે દાખલ થતા વિદ્યાર્થીઓની ફી પેટે જે તે શાળાને પ્રતિ વિદ્યાર્થી રૂા.13000 ચુકવે છે અને ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ પણ આ મર્યાદા વધારવા માંગ કરી છે.