Rajkot,તા.12
દેશના કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાત રાજ્યમાં હવે વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી રહ્યાં. રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજી રેગિંગની ઘટના સામે આવી છે. પચ્છમ અને ભાવનગર બાદ હવે રાજકોટમાંથી રેગિંગની ઘટના સામે આવી છે. રાજકોટની સ્કૂલ ઑફ સાયન્સમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. જૂનાગઢના વિદ્યાર્થીને હોસ્ટેલના 7 થી વધારે વિદ્યાર્થીઓએ ભેગા થઈને માર માર્યો છે. રાજકોટની સ્કૂલ ઑફ સાયન્સની હોસ્ટેલમાં રેગિંગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને 8-9 અન્ય વિદ્યાર્થીઓએ પટ્ટાવડે ઢોર માર માર્યો હતો. પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘પહેલાં મને હોસ્ટેલના રૂમમાં બોલાવવામાં આવ્યો અને બાદમાં 7-8 વિદ્યાર્થીઓએ રૂમ બંધ કરી દીધો અને બધાએ મને પટ્ટા અને અન્ય વસ્તુઓથી માર મારવાનું શરૂ કરી દીધો હતો. મારી સાથે જાતિવાચક શબ્દો વાપરીને હિંસા કરવામાં આવી હતી. મારી સિવાય અન્ય બે લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. જે લોકોએ મારી સાથે રેગિંગ કરી તેમાંથી કોઈ સાથે મારી કોઈ માથાકૂટ કે ઝઘડો થયો નહતો. તેમ છતાં મારી સાથે આ વર્તન કરવામાં આવ્યું હતું.’
વિદ્યાર્થીએ આ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે, ઘટના બની ત્યારે રેગિંગ કરનારા વિદ્યાર્થીઓએ મારી પરીક્ષાની રિસીપ ફાડી નાંખી હતી અને મને ધમકી આપી હતી તેથી મેં એ દિવસે કોઈ ફરિયાદ નહતી કરી. બાદમાં બીજા દિવસે મેં સરને નિશાન બતાવીને સમગ્ર માહિતી જણાવી તો મને કહેવામાં આવ્યું કે, આ વિશે તારા વાલીને કંઈ જણાવતો નહીં. ત્યારબાદ મેં મારા પપ્પાને જાણ કરી તો મારા પપ્પા હોસ્ટેલ આવ્યા હતાં. જોકે, મારા વાલી હોસ્ટેલ પહોંચે તે પહેલાં રેગિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓને મોકલી દેવામાં આવ્યા હતાં. હાલ આ મામલે મારા પપ્પા રેગિંગનો કેસ કરવાના છે.’
હાલ પીડિત વિદ્યાર્થી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે. પીડિત વિદ્યાર્થીના વાલી દ્વારા રેગિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી આ મામલે હોસ્ટેલ કે શાળા સંસ્થા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. નોંધનીય છે કે, એક અઠવાડિયામાં ગુજરાતમાં રેગિંગની આ ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. આ પહેલાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી હતી અને તેના પહેલાં ભાવનગરથી પણ રેગિંગની ઘટના પ્રકાશમાં આવી હતી.
શનિવારે (9 માર્ચ) અમદાવાદ જિલ્લાના ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોના અવાજમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, પીડિત વિદ્યાર્થી પર એટલી હદે કૃરતા આચરવામાં આવી રહી છે કે, તે પોક મૂકીને રડી રહ્યો છે. તેને અસહ્ય પીડા થઈ રહી છે છતાં નફ્ફટ સહ વિદ્યાર્થીઓ તેની પર વધારે જુલમ ગુજારી રહ્યા છે. પીડિત બુમો પાડે કે રડે તો તેને ચૂપ કરાવવા વધુ મારવામાં આવે છે. ચપ્પલ અને લાકડી વડે તેને મારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. રૂમમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ આ સમગ્ર નજારો જોઈ રહ્યા છે પણ કોઈ રોકતુ નથી. પીડિત સતત રડતો રહે છે પરંતુ, નરાધમ વિદ્યાર્થીઓ અટકતા જ નથી. પીડિતને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીકનો માર્યો તે બુમ પાડી મદદ પણ માગી રહ્યો નતી તેવું પણ લાગે છે.
શુક્રવારે (7 માર્ચ) ભાવનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા બે ઈન્ટર્ન ડોક્ટર્સને ગત રાત્રિના મેડિકલ કોલેજ નજીકના સર્કલ પાસેથી બે કારમાં બેસાડીને હિલડ્રાઈવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથેના 4 ઈન્ટર્ન સહ અધ્યાયી તથા બે સિનિયર તબીબ અને બહારના અન્ય બે શખ્સો દ્વારા તેમની પાસે જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને જો ના બોલે તો માર મારતા હતા. જયારે પીડિત ઈન્ટર્નને સવાલો પુછવામાં આવતા હતા. અને જો તે ખોટા જવાબ આપે તો પણ માર મારતા હતા. ઉપરાંત કેફી દ્રવ્યો બનાવતા તથા તેનું પરાણે સેવન કરવાનું કહી માર માર્યા બાદ રાત્રિના 3 કલાકે હોસ્ટેલે લાવી તેના અન્ય સાથી ઈન્ટર્ન ડોક્ટરને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.