શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
Bharuch, તા.૮
Bharuchના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Bharuchના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ વાલીયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. Bharuch પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.