ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારબાદ સોનું-ચાંદીના ભાવ સમગ્ર વિશ્વની બજારમાં રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે સોના-ચાંદીમાં વધુ તેજી થવાના તમામ કારણો અડીખમ છે પણ ગત્ત સપ્તાહે બનેલી બે ઘટનાઓની ચર્ચાથી સોના-ચાંદીના ભાવ ગમે ત્યારે કડડભૂસ થશે તેવી ખબરો સમગ્ર વિશ્વમાં લાકડિયા તારથી જેમ ફેલાઇ રહી છે જેને કારણે સોના-ચાંદી જેમણે ખરીદીને રાખ્યા છે અને વાયદામાં તેજીનો જેમણે વેપાર કર્યો છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કારણ કે સોના-ચાંદીની વાત આવે ત્યારે એનાલીસ્ટો, ઇકોનોમિસ્ટો અને બજારના પંડિતો એક, બે,ત્રણ એમ અનેક તેજીના કારણો ગણાવી રહ્યા છે અને દુર દુર સુધી સોનું-ચાંદી ઘટે તેવા કોઇ ઠોસ કારણો ગોત્યા મળતાં નથી ત્યારે સોનું-ચાંદી કડડભૂસ થવાની બે પ્રકારની ચર્ચાથી હાલ માર્કેટમાં ગભરાટ વ્યાપી ગયો છે. આ બે ઘટનાઓની અસર વિશે ભલભલા એનાલીસ્ટો પણ ગોટે ચડયા છે.
ત્યારે સોના-ચાંદીમાં હવે સાવચેતી રાખીને આગળ વધવાનો સમય આવ્યો છે તેવું કહી શકાય. કમ સે કમ 50 થી 60 ટકા નફો ઘરભેગો કરીને સલામત થવાનો સમય તો આવી જ ચૂક્યો છે કારણ કે ટ્રમ્પ સવારે ઉઠીને શું કરશે ? તે ભગવાન સિવાય કોઇ કહી શકે તેમ નથી આથી ‘ચેતતાં નર હંમેશા સુખી’ એ કહેવતને અનુસરવામાં હાલ ભલાઇ છે.
અમેરિકા પાસે 8134 ટન સોનાનો ભંડાર પડેલો છે જેમાંથી અડધુ સોનું એટલે કે 5000 ટન સોનું ફોર્ટ નોક્ષ નામના વોલ્ટમાં પડેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક એવા ટેસ્લાના સર્વેસર્વા અને ટ્રમ્પે ચાલુ કરેલું ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફીસન્સીના વડા એલોન મસ્કે ફોર્ટ નોક્ષમાં પડેલા સોનાની મોજુદગી અને તેની પ્યુરિટી વિશે પ્રશ્ન ઉઠાવી જણાવ્યું હતું કે ફોર્ટ નોક્ષમાં સોનું પડેલુ છે કે નહીં તે જાણવાનો અધિકાર દરેક અમેરિકન નાગરિકને છે.
એક રાજકીય મિટિંગમાં એલોન મસ્કે આ પ્રકારનો પ્રશ્ન ઉઠાવતાં આખી ચર્ચા સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂકી હતી. આ ચર્ચા જેવી ફેલાઇ તેવું તુરંત જ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે નિવેદન કર્યું કે અમેરિકાની ગોલ્ડ રિઝર્વનું દર વર્ષે ઓડિટ થાય છે અને તમામ ગોલ્ડ સ્ટોક સલામત છે પણ સ્કોટ બેસન્ટની ચર્ચાથી કોઇને સંતોષ થયો નહી આથી ડોનાલ્ડ ટ્રમ્પને ખુદને સોનાના સ્ટોકના ચેકીંગ માટે જવું પડયું.
આ સ્ટોકના ચેકીંગ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે ફોર્ટ નોક્ષના વોલ્ટને ખોલીને જોવામાં આવ્યું, તેમાંથી 400 ટન સોનાની ચકાસણી કરી અને ફોર્ટ નોક્ષમાં ખુબ જ સોનું પડેલું છે પણ ટ્રમ્પે જણાવ્યું કે મસ્કને સાથે રાખીને ફોર્ટ નોક્ષમાં પડેલા સોનાની ચકાસણી કરવામાં આવશે. ફોર્ટ નોક્ષ એ આર્મીનું કેન્દ્ર છે અને બીજી વિશ્વયુદ્ધ પછી તે 1973માં બનાવવામાં આવ્યું હતું.
ગત્ત ડિસેમ્બરમાં એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયેલા જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય એડવાઇઝર બનેલા અને વિશ્વના રિચેસ્ટ એવા ટેસ્લાના સી.ઇ.ઓ. એલન મસ્કે અમેરિકાની નેશનલ ડેબ્ટ વિશે ગંભીર ચેતવણી ઉચ્ચારી જણાવ્યું હતું કે હાલ અમેરિકાની નેશનલ ડેબ્ટ વધીને 36.17 ટ્રિલિયન (લાખ કરોડ) ડોલરે પહોંચી છે જેનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ચુકવવા માટે અમેરિકાની કુલ રેવન્યુના 23 ટકા વપરાશે જેને કારણે અમેરિકા પાસે હવે સોશ્યલ સિકયુરિટી માટે ફંડ બચ્યું જ નથી.
ચાલુ નાણાકીય વર્ષમાં અમેરિકાની કુલ રેવન્યુ 4.92 ટ્રિલિયન ડોલરમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે 1.12 ટ્રિલિયન ડોલર વપરાયા હતા. મસ્કે અમેરિકન ગર્વમેન્ટ ઓથોરિટીને વધી રહેલી ડેબ્ટ સામે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો અન્યથા આગામી દિવસોમાં ઇન્ફલેશન (મોઘવારી) સ્કાઇરોકેટ થતું જોવા મળશે.
ડિસેમ્બરમાં મસ્કે આપેલી ચેતવણીના સંદર્ભમાં હાલ થઇ રહેલી ચર્ચાના આધારે એનાલીસ્ટો એવી અફવા ફેલાવી રહ્યા છે કે હાલ અમેરિકા પાસે પડેલા સોનાનું મૂલ્ય પ્રતિ ઔંસ 42.22 ડોલર હોઇ જો આ સોનું વેચવામાં આવે તો 7.50 ટ્રિલિયન ડોલર ઊભા થઇ શકે. આથી અડધો ભાગ જો વેચી નાખવાનો નિર્ણય કરવામાં આવે તો અમેરિકાનું દેવું પુરૂ થઇ જાય. ઉપરાતં
ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેકશન કેમ્પેઇનમાં અમેરિકાને ક્રિપ્ટો કરન્સીનું સુપર હાઉસ બનાવવાની જાહેરાત કરી હતી આથી કેટલાંક એનાલીસ્ટો એવું માની રહ્યા છે કે ટ્રમ્પ સોનું વેચીને બિટકોઇન ખરીદીનો તેનો ભંડાર પણ ઊભો કરી શકે છે. આમ, અફવાઓ બજાર ગરમ હોઇ એનાલીસ્ટો એવો ભય ફેલાવી રહયા છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ સોનાનો થોડો સ્ટોક પણ બજારમાં વેચવા કાઢે તો રાતોરાત સોનાનો ભાવ કડડભૂસ થઇ શકે છે.
બેન્ક ઓફ ઇગ્લેન્ડ પાસે 310 ટન સોનાની રિઝર્વ છે. સોશ્યલ મિડિયામાં ફરતાં અહેવાલો અનુસાર બેન્ક ઓફ ઇગ્લેન્ડે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે જેમાં જણાવ્યું છે કે બેન્ક તેના કલાયન્ટને સોનું હાલ આપી શકે તેમ નથી જે આગામી ચાર થી આઠ સપ્તાહમાં આપવામાં આવશે. નિયમ અનુસાર બેન્ક ઓફ ઇગ્લેન્ડે તેના કલાયન્ટને 14 દિવસમાં સોનાની ચૂકવણી કરવાની રહે છે પણ બેન્ક ઓફ ઇગ્લેન્ડના સ્ટેટમેન્ટ બેન્ક ઓફ ઇગ્લેન્ડને સોનાની ડિલિવરી માટે ડિફોલ્ટ જાહેર કરાઇ હતી.
બેન્ક ઓફ ઇગ્લેન્ડમાં જેમણે સોનું જમા કરાવ્યું છે તેમાં આ સ્ટેટમેન્ટ બાદ ગભરાટ ફેલાયો છે અને બેન્ક ઓફ ઇગ્લેન્ડ પાસે સોનું છે કે નહીં ? સોનાનો સ્ટોક માત્ર પેપર જ બતાવ્યો છે, વાસ્તવિક રીતે બેન્ક ઓફ ઇગ્લેન્ડ પાસે સોનું છે જ નહીં. આવા અહેવાલો વહેતા થતાં પણ સોનાના ઇન્વેસ્ટરોમાં ગભરાટ ફેલાયો છે.
વિશ્વની માર્કેટમાં સોનાનો ભાવ 2024માં અનેક વખત ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદ 2025ના માત્ર 54 દિવસમાંથી 11 દિવસ સોનાનો ભાવ નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. સોનું 2024માં 27 ટકા વધ્યા બાદ 2025ના માત્ર 54 દિવસમાં 11 ટકા વધ્યું હોઇ હાલ વર્લ્ડ માર્કેટમાં સોનાની પ્રોડક્શન કોસ્ટ કરતાં સોનું બમણા ભાવે વેચાઇ રહ્યું છે. સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં સોના-ચાંદીના ભાવનું બેરોમિટ લંડન ફીક્સ ભાવ છે.
જે દરરોજ જાહેર થાય છે પણ લાંબા સમય પછી લંડનના સોનાના ભાવ કરતાં અમેરિકાના સોનાના ભાવ ઊંચા થતાં લંડન મેટલ એક્સચેંજમાં અમેરિકાના સોનાના એક્સચેંજ કોમેક્સમાં સોનું જઇ રહ્યું છે આ પ્રકારનો આર્બિટેજ વેપાર વધી ગયો છે. સોનાની તેજીને કારણે કોમેક્સ અને ચીનના શાંઘાઇ ગોલ્ડ એક્સચેંજમાં ઓપન ઇન્ટરેસ્ટ એટલે કે ઓળિયા સતત વધી રહ્યા છે.
આ તમામ બાબતોનો સાર એ છે કે સોનાના ભાવ આસમાની ઊંચાઇએ પહોંચ્યા હોઇ મંદીનો વેપાર કરનારા આ બાબતોને ફાયદો ઉઠાવીને સોનામાં કૃત્રિમ મંદી કરવા માંગતા હોઇ આવી અફવાઓ ફેલાવી રહ્યા છે તેવું પણ અનેક એનાલીસ્ટો માની રહ્યા છે.
સોના-ચાંદીમાં તેજી આગળ વધે તે માટેના વાસ્તવિક કારણો હજુ પણ અડીખમ છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતાં યુદ્ધના સમાધાનની વાતો હજુ હવામાં છે છતાં ધારો કે યુદ્ધ સમાપ્ત થાય તો પણ ટ્રમ્પના ટેરિફ વધારાને કારણે ઇન્ફલેશન (મોંઘવારી) વધશે તેની સામે સોનું બેસ્ટ હેજીંગ ટુલ્સ હોઇ જેમ જેમ ઇન્ફલેશન વધશે તેમ સોનાની ખરીદી વધવાની છે.
એટલે યુદ્ધનું કારણને બદલે સોનામાં ઇન્ફલેશન વધવાનું કારણ ઉભરશે. ચાંદીની ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલાર પેનલની ડિમાન્ડ કુદકેને ભુસકે વધી રહી હોઇ 2025નું વર્ષ ચાંદીની સપ્લાય માટે ખાધનું વર્ષ છે. આમ, સોના-ચાંદીમાં માત્રને માત્ર નાટયાત્મક ઘટનાઓની અફવાઓથી જ મંદી થઇ શકે તેમ હોઇ વિશ્વના ટોચના અનેક એનાલીસ્ટો સોનું-ચાંદી નહીં ઘટે તેવું પણ કહી રહ્યા છે.