New Delhi,તા.૧૯
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું. અમે ઘણા વિષયો પર સરસ વાતચીત કરી. સુનક ભારતના ખૂબ સારા મિત્ર છે અને તે ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત કરવા ઉત્સુક છે.
તમને જણાવી દઈએ કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. તેઓ સતત દેશના જુદા જુદા ભાગોની મુલાકાત લઈ રહ્યા છે અને ભારતની વિવિધતા જોઈ રહ્યા છે. આ ક્રમમાં, પીએમ મોદીને મળ્યા પહેલા, ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને બે પુત્રીઓ સાથે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ હાજર હતી. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે સુનક અને તેના પરિવારનું સ્વાગત કર્યું. ઋષિ સુનકે સંસદના ગૃહોમાં ગેલેરી, ચેમ્બર અને કોન્સ્ટિટ્યુશન હોલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે તેના સ્થાપત્ય અને ભવ્યતાની પ્રશંસા કરી.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પણ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન, બંને નેતાઓએ નવી તકોની ચર્ચા કરી જે બંને દેશો વચ્ચે બજાર આધારિત નાણાકીય સંબંધોને વધુ મજબૂત કરી શકે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે. નાણા મંત્રાલયે ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા.” પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ બજાર આધારિત નાણાકીય સંબંધોને મજબૂત કરવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા સંભવિત નવી તકો અંગે ચર્ચા કરી હતી. મંત્રાલયે પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નાણા મંત્રીએ કહ્યું કે જી-૭ એજન્ડામાં પરસ્પર હિતના મુદ્દાઓનો સમાવેશ કરવા માટે કોમનવેલ્થનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે જે વૈશ્વિક દક્ષિણને લાભ આપે છે.”