Jammu and Kashmir ,તા.15
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટેરર લિંકના કારણે જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ફિરદોસ ભટ્ટ પણ સામેલ છે, જે પોલીસમાં રહીને લશ્કર માટે કામ કરતો હતો.
જાણકારી અનુસાર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને વન વિભાગના એક કર્મચારી સહિત 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા. ત્રણેય કર્મચારી અલગ-અલગ આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં જેલમાં કેદ છે. આ મોટી કાર્યવાહી ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં સુરક્ષા સમીક્ષા બેઠકના એક દિવસ બાદ કરવામાં આવી.
બેઠકમાં ઉપરાજ્યપાલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓ અને પડદાની પાછળ છુપાયેલા આતંકી તંત્રને બેઅસર કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાજ્યપાલે એ પણ કહ્યું હતું કે ’આતંકવાદનું સમર્થન અને ફંડિગ કરનારને ખૂબ ભારે કિંમત ચૂકવવી પડશે.’
ફિરદોસ અહમદ ભટ 2005માં એસપીઓ તરીકે નિમણૂક થયો અને 2011માં કોન્સ્ટેબલ બની ગયો. તેની મે 2024માં ધરપકડ કરવામાં આવી. તે કોટ ભલવાલ જેલમાં બંધ છે. ખાસ વાત એ છે કે કોન્સ્ટેબલ તરીકે પુષ્ટિ કર્યા બાદ ફિરદોસ ભટને જમ્મુ કાશ્મીર પોલીસમાં ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ યુનિટના સંવેદનશીલ પદ પર તહેનાત કરવામાં આવ્યો હતો.
જોકે, તેણે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. મે 2024માં ફિરદોસ ભટનો પર્દાફાશ થયો જ્યારે બે આતંકવાદીઓ વસીમ શાહ અને અદનાન બેગની અનંતનાગમાં પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી.